UP Election 5th Phase Voting: શાંતિપૂર્ણ રીતે યૂપીમાં પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલા ટકા થયું મતદાન
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Elections 2022) ના પાંચમા તબક્કા (Fifth Phase) માં રાજ્યની 12 જિલ્લાની 61 બેઠકો પર મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં આશરે 54.09 ટકા મતદાન થયું છે.
UP Election 5th Phase Voting: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Elections 2022) ના પાંચમા તબક્કા (Fifth Phase) માં રાજ્યની 12 જિલ્લાની 61 બેઠકો પર મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં આશરે 54.09 ટકા મતદાન થયું છે. અમેઠીમાં લગભગ 52.77 ટકા મતદાન થયું છે, જ્યારે અયોધ્યામાં 58.01 ટકા લોકોએ તેમના મતનો ઉપયોગ કર્યો છે. આ સિવાય બહરાઈચમાં 54.60 ટકા મતદાન થયું છે. બારાબંકીમાં 54.65 ટકા અને ચિત્રકૂટમાં 59.64 ટકા લોકોએ મતદાન કર્યું છે. બીજી તરફ ગોંડામાં 54.47 ટકા, કૌશામ્બીમાં 57.01 ટકા અને પ્રતાપગઢમાં 50.93 ટકા મતદાન નોંધાયું હતું. રાયબરેલીમાં 56.06 ટકા, શ્રાવસ્તીમાં 57.24 ટકા, સુલ્તાનપુરમાં 54.88 ટકા મતદાન અત્યાર સુધી સામે આવ્યું છે.
આદર્શ ચૂંટણી સંહિતાના ઉલ્લંઘન માટે કુલ 377 કેસ નોંધાયા
ચૂંટણીના પાંચમા તબક્કા પર, ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ કહ્યું કે મતદાન દરમિયાન આદર્શ ચૂંટણી સંહિતાના ઉલ્લંઘન માટે કુલ 377 કેસ નોંધાયા છે, જેના પર ચૂંટણી પંચ કાર્યવાહી કરી રહ્યું છે. સાથે જ સાંજે 6 વાગ્યા સુધી સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થઈ હતી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે પાંચમા તબક્કામાં 693 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 90 મહિલા ઉમેદવારો છે. આ તબક્કામાં 2.25 કરોડ મતદારો છે. પ્રતાપગઢ જિલ્લાના કોતવાલી કુંડા પોલીસ સ્ટેશનના પહારપુર બનોહીમાં સવારે લગભગ 11 વાગ્યે કુંડા વિધાનસભા ક્ષેત્રના સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવાર ગુલશન યાદવના કાફલા પર કેટલાક લોકોએ હુમલો કર્યો, જેના કારણે તેમના વાહનોને નુકસાન થયું અને તેમને સામાન્ય ઈજા થઈ.
ઘટનાની પુષ્ટિ કરતા કુંડાના નાયબ પોલીસ અધિક્ષક અજીત કુમારે કહ્યું કે સપાના ઉમેદવાર ગુલશન યાદવ પ્રવાસ પર ગયા હતા અને પહારપુર બનોહી મતદાન મથકથી બહાર નીકળતા જ કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો, જેના કારણે વાહનને નુકસાન થયું. પાંચમા તબક્કામાં, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય તેમના ગૃહ જિલ્લા કૌશામ્બીના સિરાથુ વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર છે જેમની સામે સમાજવાદી પાર્ટીએ અપના દળ નેતા પલ્લવી પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ તબક્કામાં અયોધ્યાથી લઈને પ્રયાગરાજ અને ચિત્રકૂટ સુધી ધાર્મિક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોમાં મતદાન થયું હતું.