Weather Forecast: કાતિલ ઠંડી વચ્ચે આ રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, ઉત્તર ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.
![Weather Forecast: કાતિલ ઠંડી વચ્ચે આ રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી weather forecast update today imd dense fog cold wave alerts in india many states up delhi punjab haryana rajasthan Weather Forecast: કાતિલ ઠંડી વચ્ચે આ રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/06/90e5a5092d6a711312de1b50012e3900170456059909878_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weather Forecast: દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, ઉત્તર ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઠંડા દિવસથી લઈને તીવ્ર ઠંડીની સ્થિતિ રહેવાની પ્રબળ શક્યતા છે.
તેમજ આગામી બે-ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં કરા અને વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
કયા રાજ્યોમાં શીત લહેર વધશે ?
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ સુધી ઠંડા દિવસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. આ પછી જ આ રાજ્યોમાં ધીમે ધીમે રાહત મળવાની આશા છે. જેના કારણે આ રાજ્યોમાં 8-9 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની સંભાવના છે.
આ રાજ્યોમાં વરસાદની સાથે કરા પડશે
આ ઉપરાંત પશ્ચિમી વિક્ષેપની અસર ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોને કરશે. જેના કારણે 8 થી 10 જાન્યુઆરી દરમિયાન ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં 5 દિવસ સુધી ભારે વરસાદ પડશે
દક્ષિણ ભારતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. કેરળમાં 2 દિવસ સુધી ભારે વરસાદ ની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને તમિલનાડુના માછીમારો માટે વિશેષ ચેતવણી પણ આપવામાં આવી છે.
આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢથી ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. આ પછી, તે ધીમે ધીમે ઘટશે.
આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 જાન્યુઆરી સુધી, પંજાબ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને ચંદીગઢના ઘણા ભાગોમાં અને ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં રાત્રિ અને સવારના કલાકો દરમિયાન થોડા કલાકો સુધી ગાઢ ધુમ્મસ રહેશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, ત્રિપુરા અને બિહારના વિવિધ ભાગોમાં સવારે થોડા કલાકો સુધી વિઝિબિલિટી લેવલ 50 મીટરથી 200 મીટરની વચ્ચે રહેવાની શક્યતા છે.
સીકરમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું
IMD અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે, જ્યારે પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 12 થી 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)