મોદી અને મુખ્યમંત્રીઓ આજે દેશનાં આ 12 રાજ્યોમાં લોકડાઉન લાદવાનો લેશે નિર્ણય ? મોદીની બેઠક પર સૌની નજર
મોદી સૌથી પહેલાં કોરોના સામે લડત માટે બનાવાયેલી કોર ટીમ સાથે એક ઇન્ટર્નલ બેઠક કરશે.
નવી દિલ્લીઃ કોરોનાના વધતા જતા કેસોના કારણે સ્થિતી ગંભીર બની ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ મહત્વની બેઠકો કરવાના છે. આ ત્રણેય અત્યંત ઉચ્ચ કક્ષાના લોકો સાથેની બેઠકો હશે.
મોદી સૌથી પહેલાં કોરોના સામે લડત માટે બનાવાયેલી કોર ટીમ સાથે એક ઇન્ટર્નલ બેઠક કરશે. આ પછી તેઓ એ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે, જ્યાં કોરોનાના કેસો સૌથી વધુ સામે આવી રહ્યા છે. વડાપ્રધાનની ત્રીજી બેઠક ઓક્સિજન ઉત્પન્ન કરનારા કંપનીના માલિકો સાથે યોજાશે.
આ પૈકી બે બેઠકો કોરોના સામેની લડતની વ્યવસ્થા ગોઠવવાના ભાગરૂપે છે જ્યારે ત્રીજી બેઠક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે છે. દેશનાં 12 રાજ્યોમાં કોરોનાના કારણે સ્થિતી અત્યંત ગંભીર છે. આ રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન લાદવા અંગે આ બેઠકમાં ચર્ચા કરાય તેવી પૂરી શક્યતા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, પંજાબ, કર્ણાટક, દિલ્લી, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં લોકડાઉનનો નિર્ણય લેવાશે એવી અટકળો ચાલી રહી છે.
કોરોનાના વધતા કેસોના કારણે લોકડાઉનની માગ વધી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ ગુરૂવારે લોકડાઉન અંગે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, લોકડાઉન લાદવાનો અધિકાર માત્ર રાજ્ય સરકારને જ છે અને કોર્ટને કોઈ અધિકાર નથી. સુપ્રીમના આદેશના પગલે મોદીએ બેઠક બોલાવી છે તેના કારણે એવી શક્યતા છે કે, મોદી રાજ્ય સરકારોને આ રાજ્યોમાં લોકડાઉન લાદવા અંગે કહેશે.
કોરોનાના વધતા કેસોના કારણે મોદીએ તેમનો બંગાળ પ્રવાસ પણ રદ કર્યો છે. પહેલાં તેઓ માલદા, મુર્શિદાબાદ, બીરભૂમ અને દક્ષિણ કોલકાતામાં રેલીઓને સંબોધન કરવાના હતા. હવે તેઓ વર્ચ્યુઅલ રીતે ચારેય રેલી કરશે. સ્થાનિક ભાજપ કાર્યકરોએ રેલીઓ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી, પરંતુ છેલ્લી ઘડીએ રેલીઓને રદ કરવામાં આવી હતી.