JAMNAGAR : કે.પી.બથવાર બાદ વધુ એક કોંગ્રેસ નેતાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું
ગત મહિને 27 માર્ચે જામનગર જિલ્લા કોંગ્રેસમાં સાત વર્ષથી મહામંત્રી રહેલા કે.પી.બથવારે રાજીનામું આપી દીધું હતું.
JAMNAGAR : જામનગર કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું છે. જામનગર જિલ્લા કોંગ્રેસમાં વધુ એક નેતાનું રાજીનામુ પડ્યું છે. જામનગર કોંગ્રેસના સંગઠન મંત્રી કે.પી.બથવારના રાજીનામાં બાદ વધુ એક રાજીનામું પડ્યું છે.
મૂળ ધ્રોલના અને હાલ જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ગોવિંદ પટેલે પક્ષના તમામ હોદાઓ પરથી રાજીનામું આપી દીધું છે. ગોવિંદ પટેલના રાજીનામાથી જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે.
રાજીનામું આપવાનું કારણ શું આપ્યું?
જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખને લખેલ રાજીનામામાં ગોવિદન પટેલે કહ્યું, “કોંગ્રેસ પક્ષ દ્વારા મને જામનગર જિલ્લા પંચાયતના સભ્ય ની ચુંટણી માં ૧૨ – ખારવા જિલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર તરીકે પસંદ કરેલ અને પક્ષના નિશાન ઉપર હું ચુંટણી લડેલ આમ કોંગ્રેસ પક્ષ દ્વારા મને ઉમેદવારી કરવાની તક આપેલ તે બદલ કોંગ્રેસ પક્ષ નો તથા પક્ષના સર્વ કાર્યકર્તા તથા હોદેદારો નો આભાર માનું છું અને હાલ જામનગર જિલ્લા કોંગ્રેસ સમીતીમાં મંત્રી તરીકે પસંદગી કરેલ. દિલગીરી સાથ જણાવાનું કે હાલ મારા અંગત કારણોસર હું કોંગ્રેસ પક્ષમાં કોઈ જવાબદારી નિભાવી શકુ તેમ નથી, જેથી હું કોંગ્રેસ પક્ષના પ્રાથમીક સભ્ય પદેથી તથા સંગઠનમાં જયાં જયાં મારી નિમણુક થયેલ હોય તે તમામ હોદા પરથી રાજીનામું આપી પક્ષ માંથી છુટો થાવ છું તો આ મારુ રાજીનામું સ્વીકારવા અરજ છે.”
ગત મહિને કે.પી. બથવારે આપ્યું હતું રાજીનામું
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા જામનગર કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત મહિને 27 માર્ચે જામનગર જિલ્લા કોંગ્રેસમાં સાત વર્ષથી મહામંત્રી રહેલા કે.પી.બથવારે રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસમાંથી રાજીનામું આપી કે.પી બથવાર આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર કાલાવડ પરથી વિધાનસભા ચૂંટણી લડશે. કાલાવડ વિધાનસભા બેઠક અનામત બેઠક છે.