Jamnagar: ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે સ્વાગત પ્રવચનમાં કલેકટરની જીભ લપસી, જાણો વિગત
Gujarat Day 2023: સ્વાગત પ્રવચન દરમિયાન જામનગરના કલેક્ટર બી.એ.શાહની જીભ લપસી હતી. જામનગરના મેયર બીનાબેન કોઠારીને રાજકોટના મેયર તરીકે સંબોધ્યા હતા.
Jamnagar News: ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની જામનગર ખાતે ઉજવણી થઈ. મુખ્યમંત્રીને સ્થાને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, શહેર ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવા બા જાડેજા સહિતના અધિકારીઓ કાર્યક્રમ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન દરમિયાન જામનગરના કલેક્ટર બી.એ.શાહની જીભ લપસી હતી. જામનગરના મેયર બીનાબેન કોઠારીને રાજકોટના મેયર તરીકે સંબોધ્યા હતા.
ગુજરાતના 63માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે.
કેવી રીતે થઈ આપતા ગરવી ગુજરાતની સ્થાપના?
1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ. ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને 1 મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે 'રાજ્ય પુનઃરચના કાયદો-1956'ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું.
પીએમ મોદીએ ટ્વિટથી પાઠવી શુભકામના
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ. ગુજરાતે તેની સર્વાંગી પ્રગતિની સાથે સાથે તેની આગવી સંસ્કૃતિને કારણે એક છાપ ઉભી કરી છે. હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે.
આફતોને અવસરમાં બદલીને ગુજરાત આજે શાંતિ, શક્તિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનું પર્યાય બની ચૂક્યું છે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યની જનતાને હાર્દિક શુભકામનાઓ. આફતોને અવસરમાં બદલીને ગુજરાત આજે શાંતિ, શક્તિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનું પર્યાય બની ચૂક્યું છે. ગાંધીજી અને સરદાર સાહેબની આ ભૂમિ આગામી સમયમાં પણ એ જ લગન અને સમર્પણ સાથે દેશની પ્રગતિમાં યોગદાન આપતી રહેશે.