Jamnagar: જામનગરમાં બોરવેલમાં પડેલા બાળકનું કરાયુ રેસ્ક્યુ, નવ કલાકની જહેમત બાદ કઢાયો બહાર
Jamnagar: હાલમાં જીજી હોસ્પિટલમાં આઇસીયુમાં તેની સારવાર ચાલી રહી છે
Jamnagar: જામનગરના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બોરવેલમાં પડેલા બે વર્ષના બાળકને બચાવી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમે નવ કલાકની જહેમત બાદ બાળકને 12 ફૂટ નીચેથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો. રાજ નામનો બાળકને બાળકને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. હાલમાં બાળકની જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બાળકને સહીસલામત બહાર કાઢવા માટે જામનગર વહીવટીતંત્રની તમામ ટીમ, ફાયર વિભાગની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી. આખરે પરિવાર અને ગામ લોકોની પ્રાર્થના રંગ લાવી હતી અને નવ કલાકની જહેમત બાદ બાળકને બહાર કાઢવામાં સફળતા મળી હતી. બાદમાં લાલપુર તાલુકા હેલ્થ ઓફિસર અને 108ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ લઈ જવાયો હતો. હાલમાં જીજી હોસ્પિટલમાં આઇસીયુમાં તેની સારવાર ચાલી રહી છે. બાળકનો પરિવાર ખેતમજૂરી કરે છે અને મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે.
લાલપુરના ગોવાણામાં બાળક બોરવેલમાં પડી જવાની જાણકારી મળતા NDRF અને રોબોર્ટ માટે મદદ માંગવામાં આવી છે. બોરમાં પડી જવાનાં કારણે બાળક સતત રડી રહ્યો હતો. બાળક 10 થી 12 ફૂટ ઉંડે બોરવેલમાં ફસાયો હતો. જેના પગલે જેસીબીથી નજીકમાં ખાડો ખોદવામાં આવ્યો હતો. બાળકને બોરવેલમાં ઓક્સિજન પણ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ રાજ્યમાં બની હતી.
થોડા દિવસ પહેલા દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બે વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકી ફળિયામાં રમતી હતી, તે અચાનક બોરવેલમાં પડતા સ્થાનિક લોક દોડી આવ્યા અને બાદમાં તંત્રને જાણ કરવામાં આવી હતી. બાળકીને કલાકોની જહેમત બાદ બોરવેલમાંથી કાઢવામાં આવી હતી, જે બાદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
આ પહેલા વડોદરાના છાણીમાં બાળકી બોરવેલમાં ગરકાવ થઇ ગઇ હતી. કન્સ્ટ્રક્શન સાઈટ પાસેના બોરવેલમાં બાળકી પડી હતી. શ્રમિકની બાળકી રમતા-રમતા 10 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઇ હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને બાળકીનું રેસ્ક્યૂ કર્યું હતું. કલાકની જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજ્યું હતું.