જામનગરમાં સતત બીજા વર્ષે લોકમેળો નહીં યોજાય, કોરોના મહામારીને ધ્યાનમાં રાખી નિર્ણય
કોરોના મહામારીને કારણે આ વર્ષે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની જેમ જામનગરમાં પણ સતત બીજા વર્ષે લોકમેળા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગર: રાજ્યમાં માંડ કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવ્યું છે ત્યારે હજુ પણ સરકારે રાજ્યના કેટલાક શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના નિર્ણયો યથાવત રાખ્યા છે. એવામાં દર વર્ષે શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં લોકમેળાનું એક અનેરું મહત્વ છે, પણ કોરોના મહામારીને કારણે આ વર્ષે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની જેમ જામનગરમાં પણ સતત બીજા વર્ષે લોકમેળા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટ્ટમાં યોજાતા શ્રાવણી મેળામાં જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ મેળાની મોજ માણવા માટે આવતા હોય છે. મોટી સંખ્યામાં લોકો મેળામાં આવતા હોવાથી સતર્કતાના ભાગરૂપે જામનગર મનપાએ મેળાને રદ કરવાનો નિર્ણય લીધો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના પટમાં શ્રાવણ મહિનાના ચાર સોમવાર તેમજ સાતમ-આઠમના તહેવારોએ યોજાતા પરંપરાગત શ્રાવણી લોક મેળાનું આયોજન થાય છે. જ્યારે શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાતમ-આઠમના પાંચ દિવસના જન્માષ્ટમી મેળાનું આયોજન થાય છે. ગયા વર્ષે પણ કોરોનાકાળ દરમિયાન મેળાઓ રદ કરી દેવામાં આવ્યા હતા. શ્રાવણ માસ નજીક છે ત્યારે આ વર્ષે પણ મેળો ન યોજવા મહાનગપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરી સત્તાવાર જાહેરાત કરાઈ છે.
ગુજરાતમાં શું છે કોરોના વાયરસની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 50 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.
હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર
રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 109 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 389 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 304 દર્દીની હાલત સ્થિર છે.