Banaskantha : ભારે પવનથી ઝાડ પડતા થયો અકસ્માત, ઇકો ચાલકનું થયું મોત
અચાનક ઝાડ પડવાથી ટ્રક ડ્રાઈવરે બ્રેક મારતા ઇકો ગાડી ટ્રકની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. વિજિબલિટી ઘટતાં ઇકો ટ્રક પાછળ ઘૂસતા ઇકો ચાલકનું મોત થયું છે. દિયોદરમાં ભારે પવનથી ઝાડ પડતા અકસ્માત થયો હતો. દિયોદર-ભાભર હાઇવે પર લુદ્રા કેનાલ પાસેની ઘટના છે.
દિયોદરઃ બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવવાથી ભારે પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે દિયોદરમાં ભારે પવનથી ઝાડ પડતા અકસ્માત થયો હતો. દિયોદર-ભાભર હાઇવે પર લુદ્રા કેનાલ પાસેની ઘટના છે. અચાનક ઝાડ પડવાથી ટ્રક ડ્રાઈવરે બ્રેક મારતા ઇકો ગાડી ટ્રકની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. વિજિબલિટી ઘટતાં ઇકો ટ્રક પાછળ ઘૂસતા ઇકો ચાલકનું મોત થયું છે.
બનાસકાંઠામાં ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે અચાનક ભારે પવન સાથે વરસાદ થયો હતો. અનેક ઘરોનાં પતરાં ઊડી ગયા હતા. અગાઉ પણ તાઉ-તે વાવાઝોડાની અસરને લઇ જિલ્લાના અનેક તાલુકાઓમાં ખેડૂતોના પાકને નુકસાન જોવા મળ્યું હતું. જોકે ફરી તૈયાર પાકોમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
બનાસકાંઠા જિલ્લા સહિત સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં આગામી 20 જૂન બાદ ચોમાસાની શરૂઆત થશે, એવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઇ છે. ટૂંક સમયમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પણ પ્રારંભ થવાની તૈયારી છે, જેના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતાઓની આગાહી છે.
આગામી ચાર જૂનના રોજ દમણ, દાદરા એન્ડ નગરહવેલી, દાહોદ, આણંદ, ભાવનગર, અમરેલી, 5 જૂનના રોજ દમણ, દાદરા એન્ડ નગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે.
ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલોટ જોવા મળ્યો છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
સુરતના પાલ, અડાજણ વિસ્તારમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી સુરતના પાલ, અડાજણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ આગામી 15થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. ત્યારે પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં મોડી રાતે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના ઉનાળુ પાકને મોટા નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. ઉનાળુ પાકને નુકસાનીની ભીતીને લઈને ખેડૂતો પણ ચિંતિત થયા છે.
અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અરવલ્લીના શામળાજી, ઈસરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. વરસાદ વરસતા ઉનાળુ પાક અને ઘાસચારાને નુકસાન થયુ.
મોડી રાતે બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, અંબાજી, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો બાપલા, વક્તાપુરા, વાછોલ, આલવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતી સેવાઈ છે. ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતી છે.