કોંગ્રેસે પાંચ રાજ્યોમાં મળેલી હાર બાદ આ 5 નેતાઓને હારનું કારણ શોધવા નિમ્યા, જાણો નેતાઓનાં નામ
વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીમાં મોટા ફેરફારો કરવાના સંકેત આપ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીમાં મોટા ફેરફારો કરવાના સંકેત આપ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે હાલમાં જ આ તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખોના રાજીનામાની માંગ કરી હતી અને હવે આ રાજ્યોમાં સંગઠનાત્મક પરિવર્તન માટે એક મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટીએ આ રાજ્યોની સ્થિતિનો અભ્યાસ કરવા અને પછી સંગઠનાત્મક ફેરફારો સૂચવવા માટે 5 દિગ્ગજ નેતાઓની નિમણૂક કરી છે. આ તમામ નેતાઓ ખૂબ જ અનુભવી છે અને હવે તમામની નજર તેમના પર રહેશે.
આ 5 નેતા સ્થિતિ પારખશેઃ
કોંગ્રેસે એક અખબારી યાદી જાહેર કરીને આ જાણકારી આપી છે અને આ 5 નેતાઓના નામ આપ્યા છે. આ યાદી મુજબ પંજાબ માટે અજય માકન, યુપી માટે જીતેન્દ્ર સિંહ, ઉત્તરાખંડમાં અવિનાશ પાંડે, મણિપુરમાં જયરામ રમેશ અને ગોવામાં રજની પાટિલની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ નેતાઓ આ રાજ્યોમાં ટિકિટોની વહેંચણી માટેની સમિતિના વડા રહી ચૂક્યા છે. તેમની દેખરેખ હેઠળ જ પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું.
સંગઠનમાં ફેરફાર થઈ શકેઃ
પાર્ટીએ જણાવ્યા અનુસાર, આ તમામ નિયુક્ત નેતાઓ પોતપોતાના રાજ્યોમાં ચૂંટણી પછીની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને સંગઠનમાં કરવાના થતા જરુરી ફેરફારો સૂચવશે. કોંગ્રેસનું આ પગલું 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ યોજાઈ હતી, જેમાં આ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઘણા નેતાઓએ પાર્ટીની હાર માટે પાર્ટીની અંદર ચાલી રહેલા ઘમાસાણને જવાબદાર ગણાવ્યું હતું. હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સક્રિય થઈ ગયાં છે અને પાર્ટીને મજબૂત કરવા સતત નિર્ણયો લઈ રહ્યા છે.