Navjot Singh Sidhu સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસે બોલાવી મિટીંગ, સિદ્ધુએ આ ઈશારો કર્યો...
નવજોત સિંહ સિદ્ધુ ઉપર કાર્યવાહી કરવા માટે કોંગ્રેસની અનુશાસનાત્મક કમિટીએ શુક્રવારે મિટીંગ બોલાવી છે.
Punjab News: પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ઉપર કાર્યવાહી કરવા માટે કોંગ્રેસની અનુશાસનાત્મક કમિટીએ શુક્રવારે મિટીંગ બોલાવી છે. કમિટીના મેમ્બર તારીક અનવરે કહ્યું કે તેઓ સિદ્ધુ સામે લાગેલા આરોપો ઉપર ચર્ચા કરશે. સિદ્ધુ સામે કોંગ્રેસ પાર્ટી કડક અને મોટી કાર્યવાહી કરે તેવા સંકેત હાલ મળી રહ્યા છે.
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી નવજોત સિંહ સિદ્ધુનો કેસ એ. કે. એંટનીના સભ્યપદ વાળી અનુશાસનાત્મક કમિટીને મોકલવામાં આવ્યો છે. આ વિશે જાણકારી આપતાં તારિક અનવરે કહ્યું કે, શુક્રવારે અમે નવજોત સિંહ સિદ્ધુ પર લાગેલા આરોપોને લઈને ચર્ચા કરવા માટે મિટીંગ બોલાવી છે. આ મિટીંગમાં એ. કે. એંટની સાથે અન્ય કમિટી મેમ્બર પર હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પંજાબના પ્રભારી હરીશ ચૌધરીએ સિદ્ધુ સામે અનુશાસનાત્મક કાર્યવાહીની માંગ કરી છે. સોમવારે સામે આવેલા 23 એપ્રિલના એક પત્રમાં હરીશ ચૌધરીએ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ તરફથી સિદ્ધુની હાલની ગતિવિધિઓ વિશે એક વિસ્તૃત નોંધ મોકલી હતી. ચૌધરીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, સિદ્ધુએ ગત કોંગ્રેસ સરકારની સતત આલોચના કરી હતી. સિદ્ધુએ આવું નહોતું કરવાનું એવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો.
સિદ્ધુએ કર્યો આ ઈશારોઃ
નવજોત સિંહ સિદ્ધુ પણ આ મામલે મૌન તોડી ચુક્યા છે. સિદ્ધુએ ઈશારો કરતાં કહ્યું કે તેઓ સમય આવ્યે બધી વાતોનો જવાબ આપશે. સિદ્ધુએ ટ્વીટ કર્યું કે, મારી વિરોધમાં થતી વાતો હું હંમેશાં શાંતિથી સાંભળું છું. જવાબ આપવાનો હક મેં સમયને આપેલો છે. જો કે સિદ્ધુએ પોતાના ટ્વીટમાં કરેલી વાતનો કોઈ સંદર્ભ નહોતો આપ્યો પરંતુ આ ટ્વીટને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને હરીશ ચૌધરીએ મોકલેલી ચિઠ્ઠી ઉપર પ્રતિક્રિયાની રીતે જોવામાં આવી રહી છે.