Rajkot: રાજકોટમાં હીરાના કારખાનામાં તિજોરી તોડી આઠ લાખ રૂપિયા અને હીરાની ચોરી, પોલીસે શરૂ કરી તપાસ
રાજકોટમાં હીરાના કારખાનામાંથી 8 લાખ રોકડા અને 12 હજાર હીરાની ચોરીની ઘટના બની હતી
રાજકોટમાં હીરાના કારખાનામાંથી 8 લાખ રોકડા અને 12 હજાર હીરાની ચોરીની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના મવડીમાં બાપા સીતારામ ચોક પાસે સી.વી ઇમ્પેક્ટ નામના હીરાના કારખાનામાં ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઇ હતી.
હીરાના કારખાનામાં રાખવામાં આવેલી તિજોરી તોડીને આઠ લાખ રૂપિયા રોકડા અને 12 હજાર રૂપિયાના હીરાની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. હેમર ડ્રીલથી તિજોરી તોડવામાં આવી અને ત્યારબાદ હીરા અને રોકડની ચોરી કરાઇ હતી. કારખાનાના માલિક મુકેશભાઈ દુધાગરા હોવાની જાણકારી મળી છે
ચોરી મોડી રાત્રે થઇ હતી પરંતુ સવારે કર્મચારીઓ કારખાને આવતા ચોરીની ઘટનાની જાણ થઇ હતી. બાદમાં પોલીસને જાણકારી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. એસીપી ભાર્ગવ પંડ્યા, ક્રાઈમ બ્રાંચ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને લઈ ડોગ સ્ક્વોડ અને FSLની ટીમે પણ તપાસ હાથ ધરી હતી. આ ચોરીમાં કોઇ જાણભેદુ હોય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ અલગ અલગ સીસીટીવીની તપાસ શરૂ કરી હતી.
બીજી તરફ રાજકોટમાં કારના કાચ તોડીને કિંમતી વસ્તુની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો. સુરત પોલીસે માહિતીના આધારે કારમાં તોડફોડ કરી ચોરી કરનાર બે શખ્સને કરજણ ટોલનાકાથી ઝડપી પાડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, રાજકોટના રણછોડનગર અને પંચશીલ સોસાયટીમાં કારના કાચ તોડ તોડીને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના બાદ રાજકોટ પોલીસે રાજ્યભરની પોલીસને એલર્ટ કરી હતી. ત્યારે રાજકોટ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી તો મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં બે લોકો ઘટનાને અંજામ આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ જાણકારી મળતા સુરત પોલીસે બેને ઝડપી પાડ્યા હતા અને કારના કાચ તોડનાર ગેંગ પાસેથી એક હથિયાર, બે લાખ રોકડ સહિત કાર સહિતની કિંમતી વસ્તુઓ જપ્ત કરી તપાસ શરૂ કરી હતી.
નોંધનીય છે કે રાજકોટમાં રણછોડનગર તેમજ પંચશીલ સોસાયટીમાં કારના કાચ તોડીને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. એક જ રાતમાં બે અલગ અલગ સોસાયટીમાં 10 થી 12 કારના કાચ તોડવામાં આવ્યા હતા. રાજકોટ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં બે લોકો દ્વારા આ ઘટનાને અંજામ આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. બાતમીના આધારે સુરત પોલીસે કારમાં તોડફોડ કરનારા બે શખ્સોને કરજણ ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યા હતા.