કોરોનાની ત્રીજી લહેર કેવો મચાવશે કહેર? જાણો IMAના પ્રમુખે શું કર્યો મોટો દાવો?
IMAના પ્રમુખે કહ્યું ત્રીજી લહેર ઘર-પરિવાર જ નહીં, પણ શેરી અને આખા એપાર્ટમેન્ટ સંક્રમિત થશે. તેમનો દાવો છે કે, દરિયામાં જેમ મોજા આવે છે એમ આ ત્રીજી લહેર આવશે.
રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવે કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે. જોકે, તજજ્ઞો દ્વારા કોરોનાની ત્રીજી લહેરને લઈને આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટના (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન)IMA ના પ્રમુખ પ્રફુલ કમાણીએ ત્રીજી લહેરને લઈ મોટો દાવો કર્યો છે. તેમનો દાવો છે કે, ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
IMAના પ્રમુખે કહ્યું ત્રીજી લહેર ઘર-પરિવાર જ નહીં, પણ શેરી અને આખા એપાર્ટમેન્ટ સંક્રમિત થશે. તેમનો દાવો છે કે, ત્રીજી લહેર આવે તો શેરી-મહોલ્લા અને આખા એપાર્ટમેન્ટ કોરોનાથી સંક્રમિત થશે. દરિયામાં જેમ મોજા આવે છે એમ આ ત્રીજી લહેર આવશે. કોઈને ડરવાની વાત નથી. બાળકોને વધુ ચેપ લાગશે. તમામ લોકો વેક્સીન લઈ લે અને સતર્કતા રાખે.
તેમણે જણાવ્યું હતું કે, વાયરસ બધી જગ્યાઓ પર હશે. માસ્ક 2022 સુધી કોઈ ન કાઢે. ખાસ તહેવારોમાં ખોટા મેડાવળાઓ ન થાય. દરેક લોકો તકેદારી રાખે. જે લોકોએ વેક્સીન લીધી તે સંક્રમિત ઓછા થયા છે અને મૃત્યુ દર ઓછો છે.
ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 32 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજે 161 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 801 છે. જે પૈકી 07 દર્દી વેન્ટીલેટર પર છે.
રાજ્યમાં આજે નવા 32 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 161 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,13,399 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.68 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં 2,54,759 દર્દીઓનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 3, ભરુચ 2, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા 2, અમરેલી 1, છોટા ઉદેપુર 1, દાહોદ 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, મહેસાણા 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1, વલસાડ 1 કેસ નોંધાયો છે.
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 171 લોકોને પ્રથમ ડોઝ અને 10277 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 42235 લોકોને પ્રથમ અને 69589 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 1,26,017 લોકોને રસીનો પ્રથમ અને 6470 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કોરોનાને ડબલ ડિજિટમાં કેસ નથી. 24 કલાકમાં 32 નવા કેસ નોંધાયા છે અને આણંદ જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 10074 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8, 13, 399 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 931 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 794 દર્દીની હાલત સ્થિર છે.