Rajkot: રાજકોટ શહેરમાં ચોમાસાના કારણે રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં લાગી લાઈનો
રાજકોટમાં પણ આવી સ્થિતિ સામે આવી છે. હાલમાં જ રાજકોટ જિલ્લા અને શહેરની તમામ સરકારી અને ખાનગી હૉસ્પીટલોમાં દર્દીઓની લાઈનો લાગી રહી છે.
રાજકોટ: રાજ્યમાં ફરી એકવાર કેટલાય શહેરોની હૉસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. રાજકોટમાં પણ આવી સ્થિતિ સામે આવી છે. હાલમાં જ રાજકોટ જિલ્લા અને શહેરની તમામ સરકારી અને ખાનગી હૉસ્પીટલોમાં દર્દીઓની લાઈનો લાગી રહી છે. ચોમાસા દરમિયાન બીમારીઓનો ખતરો વધી જાય છે. વરસાદી માહોલ વચ્ચે રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ સહિતના કેસમાં વધારો થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી છે. સિવિલ હોસ્પિટલમાં દવા લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ચોમાસાના કારણે શહેરમાં રોગચાળો વકર્યો છે.
રાજકોટ શહેરમાં અને જિલ્લામાં ફરી એકવાર રોગચાળાએ માજા મુકી છે. ઘરે ઘરે દર્દીઓના ખાટલા જેવી સ્થિતિ પેદા થઇ છે. તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે રાજકોટ સિવિલ હૉસ્પીટલમાં મેળા જેવો માહોલ સર્જાયો છે. જ્યાં જુઓ ત્યાં દર્દીઓ જ દર્દીઓ દેખાઇ રહ્યાં છે.
આ તરફ, રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. જનાના હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 6 બાળકો સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના બે પોઝિટિવ અને ચાર શંકાસ્પદ કેસ મળી કુલ 6 બાળકોની સારવાર ચાલી રહી છે. મોટા ભાગના બાળકો મુળ બિહાર અને મધ્યપ્રદેશના વતની છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કરતા પરિવારના બાળકો ચાંદીપુરા વાયરસનો ભોગ બની રહ્યા છે.
ચાંદીપુરા વાયરસ શું છે ?
ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે, જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. આ માટે એડીસ મચ્છર પણ જવાબદાર છે. તે સૌપ્રથમ વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં મળી આવ્યું હતું. આ જગ્યાના નામથી જ તેની ઓળખ થઈ હતી. આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું.
જ્યારે પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે વાયરસ ફેલાય છે. 2003-04માં આ વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યા હતા, જ્યારે તેનાથી 300 થી વધુ બાળકોના મોત થયા હતા.
ચાંદીપુરા વાયરસનું સૌથી વધુ જોખમ કોને છે?
ચાંદીપુરા વાયરસ બાળકોને તેનો શિકાર બનાવે છે. 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો સૌથી વધુ જોખમમાં છે. આ ચેપ ત્યારે ફેલાય છે જ્યારે વાયરસ કરડ્યા પછી માખી અથવા મચ્છરની લાળ દ્વારા લોહીમાં પહોંચે છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?
- બાળકોમાં તાવ
- ઉલટી અને ઝાડા
- તાણ
- નબળાઇ