Rajkot News: પાયલ મેટરનિટી હોસ્પિટલના વાયરલ સીસીટીવીના મામલે ખુલાસો, કોણે કર્યાં હતા અપલોડ
Rajkot News:રાજકોટની હોસ્પિટલના દુશાસનકાંડમાં તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. આ સીસીટીવીના વીડિયો કોણે અપલોડ કર્યાં હતા અને કેવી રીતે સર્જાયું કાંડ જાણીએ

Rajkot News: રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના દુશાસનકાંડમાં મોટો પર્દાફાશ થયો છે. આ હોસ્પિટલના વીડિયોને અપલોડ કરવા માટે પહેલા હોસ્પિટલનાં સીસી ટીવી હેક કરવામાં આવ્યા હતા બાદ તેના વીડિયોને યુટ્યુબ અને ટેલિગ્રામ પર અપલોડ કરવામાં આવ્યાં હોય કેવી આશંકા સેવાઇ રહી છે. આ મામલે રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશની આશંકા છે.
ઉલ્લેખનિય છે કે, રૂપિયા કમાવવાના કૌભાંડ ચલાવનાર સાયબર માફીયાઓ નાં નેટવર્કને લગતી મહત્વની કડીઓ જોડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ નો સાયબર સેલ અને રાજકોટ પોલીસને સફળતા મળી છે. પાયલ મેટરનિટી હોસ્પિટલના લેબર રૂમમાં નિયમ વિરૂધ્ધ સીસીટીવી લગાવાયા હતા તે વાત સાચી છે .પરંતુ આખા કાંડમાં હોસ્પિટલની કોઈ ભૂમિકા ન હોવાનો સૂત્રો દ્વારા દાવો કરવામા આવી રહ્યો છે. સીસીટીવીનાં ફૂટેજ સાયબર માફીયાઓએ અપલોડ કર્યાનું ધ્યાનમાં આવતાં જ હોસ્પિટલ મેનેજમેન્ટે ડર્યાં વિના સીસી ટીવી કેમેરો નીકાળી લીધાનું પણ સામે આવ્યું છે.
શું છે સમગ્ર મામલો
રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલમાં એક અત્યંત શરમજનક અને સંવેદનહીન ઘટના સામે આવી છે, જેણે સમગ્ર મેડિકલ જગતને કલંકિત કર્યું છે. હોસ્પિટલના લેબર રૂમમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ ઓનલાઈન અપલોડ થતાં ખળભળાટ મચી ગયો છે. આ ફૂટેજમાં ગર્ભવતી મહિલાઓની સંવેદનશીલ તબીબી તપાસના દ્રશ્યો કેદ હતા, જે તેમની ગોપનીયતા અને ગરિમાનું ઉલ્લંઘન છે.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ABP અસ્મિતાના વીડિયો એડિટર તેજપાલસિંહ રાણાએ આ મામલાનો પર્દાફાશ કર્યો. રાણાએ CCTV ફૂટેજ અને વાયરલ થયેલા રીલ્સની ઝીણવટપૂર્વક તપાસ કરી અને આ પાપનો ભાંડો ફોડ્યો. ABP અસ્મિતાએ આ ઘટનાની જાણકારી તાત્કાલિક સાયબર ક્રાઈમ બ્રાન્ચને આપી, જેના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી છે.
આ ઘટનાના પર્દાફાશ પછી હોસ્પિટલના એડમિન દ્વારા તાત્કાલિક લેબર રૂમમાંથી CCTV કેમેરા હટાવી લેવામાં આવ્યા હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલના માલિક ડો. અમિત અકબરીએ દાવો કર્યો છે કે કોઈ પ્રોફેશનલ હેકરે CCTV સિસ્ટમ હેક કરી આ ફૂટેજ ઓનલાઈન અપલોડ કર્યા છે, પરંતુ હોસ્પિટલના એડમિને ABP અસ્મિતાના કેમેરા સામે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે લેબર રૂમમાં CCTV કેમેરા હોસ્પિટલ દ્વારા જ લગાવવામાં આવ્યા હતા. પાયલ મેટરનીટી હોસ્પિટલના સંચાલકોના પાપે ગર્ભવતી મહિલાઓની અત્યંત અંગત પળોના CCTV ફૂટેજ ઓનલાઈન અપલોડ થયા છે, જે પીડિત મહિલાઓ અને તેમના પરિવારો માટે આઘાતજનક અને માનસિક ત્રાસદાયક છે. આ ઘટના મેડિકલ જગત માટે એક કાળો ડાઘ છે અને હોસ્પિટલ સંચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળી શકાય

