ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
પોલીસ તંત્રની ભૂમિકા સામે ઉઠાવ્યા સવાલ, કોઈ સમાજ નહીં પણ ગુંડાગીરી સામે મારો અવાજ: પીપળીયા

ગોંડલ/રાજકોટ: સૌરાષ્ટ્રના જાણીતા સહકારી આગેવાન પરસોતમ પીપળીયાએ ગોંડલમાં પ્રવર્તી રહેલી ગુંડાગીરીને લઈને સખત શબ્દોમાં પોતાનો બળાપો ઠાલવ્યો છે. તેમણે ગોંડલને સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર ગણાવતા કહ્યું છે કે અહીં ગુંડાગીરી જગજાહેર છે અને ધાકધમકીઓ તેમજ મારપીટ જેવી ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. ગોંડલમાં એક પછી એક બની રહેલી ઘટનાઓને પગલે પીપળીયાએ સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ મૂકીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.
પોતાના નિવેદનમાં પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે ગોંડલમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુંડાગીરી ફૂલીફાલી છે અને આ માત્ર બે ઘટનાઓની વાત નથી. તેમણે ગોંડલની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પોલીસ વિભાગની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. પીપળીયાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમનો આ અવાજ કોઈ ચોક્કસ સમાજ કે વ્યક્તિને ટાર્ગેટ કરવાનો નથી, પરંતુ તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ગોંડલમાં પ્રવર્તી રહેલી ગુંડાગીરી સામે અવાજ ઉઠાવવાનો છે.
રાજકોટના સહકારી અને પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ પોતાની પોસ્ટમાં ગોંડલની તુલના ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર સાથે કરી હતી, જે ગુનાખોરી માટે કુખ્યાત છે. તેમણે કહ્યું કે ગોંડલમાં જે રીતે ખુલ્લેઆમ ગુંડાગીરી થઈ રહી છે તે જોતા પોલીસ તંત્રની ભૂમિકા અત્યંત અસંતોષજનક છે. તેમણે ગોંડલની વર્તમાન સ્થિતિને ચિંતાજનક ગણાવી હતી અને સત્તાધીશોને આ અંગે યોગ્ય પગલાં લેવા માટે પણ અનુરોધ કર્યો હતો.
ગોંડલના જાટ યુવકના અપમૃત્યુનો મુદ્દો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી
ગોંડલના એક જાટ યુવકના ગુમ થયા બાદ થયેલા શંકાસ્પદ મૃત્યુનો મુદ્દો હવે રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. રાજસ્થાનના પૂર્વ મંત્રી રામલાલ જાટે આજે મુખ્યમંત્રીને મળીને આ ઘટનાની યોગ્ય તપાસ કરાવવા માટે વિનંતી કરી છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રામલાલ જાટે abp અસ્મિતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગોંડલનો યુવાન ગુમ થયા બાદ પાંચ દિવસ સુધી તેની લાશ હોસ્પિટલમાં લાવારિસ હાલતમાં પડી રહી હતી. તેમણે આ બાબતે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો પોલીસ આવું કામ કરે તો સામાન્ય પ્રજાનું શું થાય. તેમણે આ સમગ્ર મામલાની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની માંગણી કરી છે.
રામલાલ જાટે આજે મુખ્યમંત્રીને સમગ્ર ઘટનાની રજૂઆત કરી હતી, જેના જવાબમાં મુખ્યમંત્રીએ તેમને તપાસ કરાવવાની ખાતરી આપી છે. જો કે, રામલાલ જાટે સ્થાનિક પોલીસની તપાસ પર વિશ્વાસ ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રીએ ખાતરી આપતા તેમને વિશ્વાસ છે કે યોગ્ય તપાસ થશે. આ ઘટનાને લઈને રામલાલ જાટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે જો ગુજરાતમાં આવો માહોલ રહેશે તો રાજસ્થાનથી આવતા પ્રવાસીઓની ગુજરાતમાં શું હાલત થશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે તેમને સ્થાનિક પોલીસની તપાસ પર ભરોસો નથી અને તેઓ આ કેસમાં કોઈ વિવાદ નહીં પરંતુ ન્યાય ઈચ્છે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
