Rajkot: PM મોદીએ કહ્યું, અમે મોંઘવારી પર લગામ મુકી, 13 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજકોટ ખાતે ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ “રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” સહિતના રૂપિયા ૨૦૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજકોટ ખાતે ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ “રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” સહિતના રૂપિયા ૨૦૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે ભવિષ્યમાં ગુજરાતમાં પણ એરોપ્લેનનું નિર્માણ થશે એવી આશા વ્યક્ત કરી, સુશાસનના મોડેલ થકી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
Big day for Rajkot as the city gets an international airport along with a multitude of development projects. https://t.co/TT0zrNKc2w
— Narendra Modi (@narendramodi) July 27, 2023
રાજકોટમાં હિરાસર પાસે નવનિર્મિત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેસકોર્સ ખાતે જનસભામાં પધાર્યા હતા. અહીંથી તેમણે વિવિધ વિકાસકાર્યોનું રિમોટથી લોકાર્પણ કર્યું હતું. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, હિરાસર ખાતે નિર્માણ પામેલું આ માત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જ નથી પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતને નવી ઊર્જા આપનારું, નવી ઊડાન આપનારું પાવરહાઉસ બની રહેશે.
રાજકોટની ઓળખ સૌરાષ્ટ્રના ગ્રોથ એન્જિન તરીકે થઈ રહી છે, તેમ જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે, સર્વાંગી વિકાસની સાથે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને તેવું રાજકોટવાસીઓનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કારણે રાજકોટ હવે દેશ-દુનિયાના અન્ય શહેરો સાથે સીધી ફ્લાઈટથી જોડાઈ શકશે. જેના કારણે ઉદ્યોગોને લાભ થશે, ખેડૂતો પણ તેમનું કૃષિ ઉત્પાદન વિદેશ મોકલી શકશે. સર્વાંગી વિકાસની સાથે ગુજરાત આજે એરોપ્લેન બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનએ ઉમેર્યું હતું કે, Ease of Living, Quality of Life કેન્દ્ર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. છેલ્લા નવ વર્ષમાં કેન્દ્ર સરકારે ગુડ ગવર્નન્સ-સુશાસન દ્વારા સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્રમાં જીવનને સરળ બનાવવા માટે કામ કર્યું છે.
राजकोट इंटरनेशनल एयरपोर्ट से यात्रा में तो आसानी होगी ही, इस पूरे क्षेत्र के उद्योगों को भी बहुत लाभ होगा। pic.twitter.com/b8lEwJnC8l
— PMO India (@PMOIndia) July 27, 2023
કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા નવ વર્ષમાં લોક-સુખાકારી માટે લેવાયેલાં પગલાંઓની વિગતે વાત કરતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાના લાભો છેવાડાના પરિવારોને મળ્યા છે. જેના પરિણામે દેશમાં ગરીબી ઝડપથી ઘટી છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ૧૩.૫૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જેના કારણે એક નવા મધ્યમ વર્ગનું સર્જન થયું છે.
વડાપ્રધાનએ દેશમાં કનેક્ટિવિટીમાં થયેલા નોંધપાત્ર વધારાનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, ૨૦૧૪માં દેશમાં માત્ર ચાર શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક હતું, આજે ૨૦થી વધુ શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક પહોંચ્યું છે અને ૨૫ અલગ અલગ રૂટ ઉપર વંદે ભારત જેવી ટ્રેનો દોડી રહી છે. તેવી જ રીતે દેશમાં પહેલા ૭૦ એરપોર્ટ હતા, આજે તેનાથી ડબલ એરપોર્ટ છે. એરલાઈન સેક્ટરમાં દેશ નવી ઊંચાઈએ પહોંચ્યો છે.
ડિજિટલ ઈન્ડિયા થકી સામાન્ય લોકોની હાલાકી ઘટાડવા માટે સરકારે લીધેલા પગલાં અંગે વડાપ્રધાનએ કહ્યું હતું કે, અગાઉ વીજળી-પાણીના બિલ, ઇન્કમટેક્સ રિટર્ન ભરવા, હોસ્પિટલમાં, પેન્શન મેળવવા માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું અને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. વર્તમાન સરકારે ડિજિટલ ઈન્ડિયાની પહેલથી આ સમસ્યાઓનું સમાધાન કર્યું છે. બેન્કિંગ સેવાઓ મોબાઈલમાં ઉપલબ્ધ બની છે. ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ સરળ અને ઝડપી બન્યું છે. અગાઉ આઈ.ટી. રિફંડ મેળવવામાં મહિનાઓ લાગી જતા હતા. હવે ગણતરીના દિવસોમાં આવી જાય છે.
તેઓએ કહ્યું હતું કે, સરકારે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ઘર મળે તેની પણ ચિંતા કરી છે. પીએમ આવાસ યોજનાના કારણે દેશના ૬ લાખથી વધુ પરિવાર અને ગુજરાતના ૬૦,૦૦૦થી વધુ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. રેરાનો કાયદો લાવી સરકારે ઘર ખરીદવાની પ્રક્રિયા સરળ અને સલામત બનાવી છે, અને લાખો લોકોના પૈસા ફસાઈ જતાં, લૂંટાઈ જતા બચાવ્યા છે.
પાડોશી દેશોમાં ૨૫થી ૩૦ ટકાના દરે મોંઘવારી વધી રહી છે. ભારતમાં મોંઘવારી દરને લઈ સરકારની સંવેદનશીલતા અને સંનિષ્ઠ પ્રયાસોના કારણે, કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ જેવા કારણો છતાં મોંઘવારી કાબુમાં રાખવામાં સફળતા મળી છે. અગાઉ રૂપિયા બે લાખ જેટલી નાની રકમ પર પણ ટેક્સ લાગતો હતો, જ્યારે આજે સાત લાખ સુધીની આવક ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. નાની બચત ઉપર વધુ વ્યાજ સહિતના પગલાંઓથી મધ્યમવર્ગની બચત વધે તેવા સરકારના પ્રયાસો રહ્યા છે.
દેશમાં આવેલી મોબાઈલ ડેટા ક્રાંતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ કહ્યું હતું કે, આજે દરેક ભારતીય દર મહિને સરેરાશ ૨૦ જીબી ડેટાનો ઉપયોગ કરે છે. વર્ષ ૨૦૧૪માં ૧ જી.બી. ડેટા માટે રૂપિયા ૩૦૦ આપવા પડતા હતા. જો એ જ દરો આજે હોત તો, આજે આશરે મહિને રૂપિયા ૬૦૦૦ જેટલું બિલ ચૂકવવું પડતું હોત. પરંતુ આજે ૨૦ જી.બી. ડેટા માટે મહિને રૂપિયા ૩૦૦-૪૦૦ જેટલું જ બિલ આવે છે. આમ દર મહિને મધ્યમ વર્ગના રૂપિયા ૫૦૦૦થી વધુ બચત થાય છે.
સિનિયર સિટીઝન્સ સહિતના લોકો માટે કેન્દ્ર સરકારે લીધેલા પગલાંનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ કહ્યું હતું કે, બીમાર સિનિયર સિટીઝન માટે પરિવારે બજારમાં ઊંચી કિંમત આપીને દર મહિને દવા લેવી પડતી હતી. તેઓનો ખર્ચ બચાવવા કેન્દ્ર સરકારે જનઔષધિ કેન્દ્રો શરૂ કરાવીને સસ્તી કિંમતમાં દવા ઉપલબ્ધ કરાવી છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આશરે ૨૦ હજાર કરોડ રૂપિયાની રકમની બચત થઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે સંવેદનશીલ સરકાર એક પછી એક એવા પગલાં લઈ રહી છે, જેનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર કોઈ બોજ ના પડે. ગુજરાત અને સૌરાષ્ટ્રના વિકાસ માટે પણ અમારી સરકાર પૂરી સંવેદનશીલતાથી કામ કરી રહી છે.
પાણીની અછતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, સૌની યોજના પહેલા શું સ્થિતિ હતી અને સૌની યોજના પછી શું બદલાવ આવ્યો છે તે સૌરાષ્ટ્રમાં જોઈ શકીએ છીએ. સૌરાષ્ટ્રના સેંકડો ગામ અને હજારો ચેકડેમ આજે પાણીના સ્ત્રોત બની ચૂક્યા છે. હર ઘર જલ યોજના અંતર્ગત આજે ગુજરાતના કરોડો પરિવારોને નળથી જળ મળવા લાગ્યું છે.
તેઓએ કહ્યું હતું કે, સુશાસનનું આ એક એવું મોડેલ છે, જેમાં સમાજના દરેક વર્ગ અને પરિવારની જરૂરિયાતો અને આકાંક્ષાઓને ધ્યાનમાં રખાય છે. આ જ વિકસિત ભારતના નિર્માણનો અમારો રસ્તો છે. આ જ માર્ગ પર ચાલીને આપણે આઝાદીના અમૃત કાળના સંકલ્પોને સિદ્ધ કરવાના છે. વડાપ્રધાનએ વક્તવ્યના પ્રારંભમાં ગુજરાતમાં હાલમાં આવેલા વાવાઝોડા-પૂર જેવી કુદરતી આપત્તિના અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.