RAJKOT : દેશના પ્રથમ મહિલા IPS અધિકારી કિરણ બેદીએ રાજકોટ જિલ્લા જેલની મુલાકાત લીધી, જાણો મુલાકાત બાદ શું કહ્યું
Kiran Bedi in Rajkot : કિરણ બેદીએ રાજકોટમાં તેમણે શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમના નેશનલ યુથ કન્વેનશનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.
Rajkot : ભારતના પ્રથમ મહિલા IPS અધિકારી, દિલ્લીની તિહાડ જેલના પૂર્વ વડા અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોન્ડિચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદી(Kiran Bedi)એ રાજકોટ જિલ્લા જેલ (Rajkot District Jail)ની મુલાકાત લીધી હતી. આ સાથે જ રાજકોટમાં તેમણે શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમના નેશનલ યુથ કન્વેનશનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.
જેલના રેડિયો સ્ટેશનમાંથી કેદીઓને સંબોધન કર્યું
કિરણ બેદીએ જેલની વિઝિટ કરી હતી જેમાં જિલ્લા જેલમાં આવેલ લાઈબ્રેરી સહિતના વિભાગોની વિઝિટ કરી હતી સાથે જ જિલ્લા જેલમાં કેદીઓ માટે બનાવેલ રેડિયો સ્ટેશન પરથી કાચા અને પાકા કામના કેદીઓને સંબોધન કર્યું હતું. ઈડિયા વિઝન ફાઉન્ડેશન અંતર્ગત તેમણે જેલના કેદીઓને જેલની બહાર નીકળ્યાં પછી કેમ પગભર થવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ તકે રાજ્યના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ તથા રાજકોટ જિલ્લા જેલ અધિક્ષક બન્નો જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લા જેલ પ્રશાસનની પ્રશંસા કરી
આ તકે મીડિયા સાથેની વાતચીતમાં દેશના પ્રથમ મહિલા IPS અધિકારી કિરણ બેદીએ જણાવ્યુ હતું કે જેલની સુરક્ષા અને જેલમાં રહેલ કેદી માટે રાજ્યનું જેલ તંત્ર ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે. કિરણ બેદી તેમના વિઝન ફાઉન્ડેશનના સહયોગથી રાજકોટ જેલનાં કેદીઓ માટે મહત્વની માહિતી સાથે જેલની મુલાકાતે આવ્યા હતાં તેમની સાથે વિઝન ફાઉન્ડેશનના ડાયરેકટર મોનિકા ધવન સહિતના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
અગ્નિપથ યોજના વિશે અભિપ્રાય આપ્યો
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર અગ્નિપથ યોજના અંગે સવાલ પૂછતાં તેમણે જણાવ્યુ હતું કે અત્યારે આ વિષય પર જાણ્યા વગર કશું બોલી ન શકાય. પરંતુ સરકારે જે વિચાર્યું હશે તે દેશની સુરક્ષા અને દેશના હિત માટે જ વિચાર્યું હશે. આ તકે જિલ્લા જેલના કેદીઓ દ્વારા સંગીત કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.