Rajkot: મેટોડા GIDCનુ કેમિકલ યુક્ત પાણી લોધિકાના રાતૈયા ગામની નદીમાં છોડાતા ખેડૂતોમાં ભારે રોષ
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના રાતૈયા ગામે મેટોડા જીઆઇડીસીનું દૂષિત પાણી આવતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદ આવતા ખેડૂતોને ફાયદો થવાને બદલે નુકસાન થયું છે.
રાજકોટ: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના રાતૈયા ગામે મેટોડા જીઆઇડીસીનું દૂષિત પાણી આવતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદ આવતા ખેડૂતોને ફાયદો થવાને બદલે નુકસાન થયું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ ના અધિકારીઓ બેદરકાર હોવાનું ખેડૂતોનું કહેવું છે.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના રાતૈયા ગામના 1100 લોકોની વસ્તી ધરાવતા આ ગામની મોટાભાગની વસ્તી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી છે. છેલ્લા આઠ વર્ષથી મેટોડા જીઆઇડીસીની અલગ-અલગ ફેક્ટરીઓ દ્વારા ગામની નદીમાં દૂષિત પાણી ઠાલવવામાં આવે છે. દર વર્ષે વરસાદ આવે એટલે આ રીતે પાણીમાં ફીણના ગોટેગોટા વળે છે. ગઈકાલે આ વિસ્તારમાં વરસાદ પડ્યો અને કેમિકલ યુક્ત ઝેરી પાણી પહોંચ્યું સુવાગ ડેમ સુધી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેમિકલ માફિયાઓ વિરુદ્ધ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ગામ લોકોએ અનેક વખત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે.
કેમિકલ માફિયા બેફામ બન્યા
જેતપુર બાદ રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસીના કેમિકલ માફિયા બેફામ બન્યા છે. લોઘીકા તાલુકાના રાતૈયા ગામે નદીમાં કેમિકલવાળુ પાણી છોડવામાં આવ્યું છે.વરસાદ વરસતા નદીમાં ફીણ વળતા ખેડૂતોને નુકસાન થયું છે. છેલ્લા 8 વર્ષથી મેટોડા જીઆઈડીસીના કારખાનેદારો કેમિકલ નદીમાં છોડતા હોવાનો ગ્રામજનોનો આરોપ છે.
પ્રદુષિત પાણીને કારણે પાક દર વર્ષે બળી જાય છે
ખેડૂતોએ કહ્યું હતું કે ખેતરમાં પાક દર વર્ષે પ્રદુષિત પાણીને કારણે બળી જાય છે. ગામના સરપંચ મહાવીરસિંહ જાડેજાએ કહ્યું, ગામના તમામ પાણીના બોરમાં પ્રદુષિત પાણી ભળી ગયું છે. ગામમાં 10 કેન્સરના કેસ, ચામડીના રોગ અને ઉલટી જેવા કેસ સતત આવે છે. રાતૈયા ગામ છોડીને લોકો સીટી તરફ વળવા લાગ્યા છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મેટોડા જીઆઈડીસીના પ્રદુષણ માફિયાઓને છાવરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ વિસ્તારના ધારાસભ્ય રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા છે. ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને અધિકારીઓને રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
કેમિકલ યુક્ત પાણીથી તળ બગડી ગયા
મેટોડા જીઆઇડીસીમાંથી મિકેનિકલ યુક્ત પાણી છોડવામાં આવતા આ વિસ્તારમાં પાણી, જમીન પાક અને પશુપાલનઓને નુકશાન થઈ રહ્યું છે. રાજ્ય સરકારે પણ ગંભીરતા દાખવીને કેમિકલ માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ કરવાની જરૂર છે. એક ગામ નહીં લોધીકા તાલુકાના અનેક ગામડાઓમાં કેમિકલ યુક્ત પાણીથી તળ બગડી ગયા છે.