PGVCLનો સપાટો, રાજકોટના આ વિસ્તારોમાંથી કરોડોની વીજ ચોરી પકડાઇ, 44 ટીમોએ કરી દરોડાની કાર્યવાહી
રાજકોટ સહિતના આજુબાજુના વિસ્તારોમાં PGVCLની ટીમે પાંચ દિવસની દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં 44 ટીમો કામે લાગી હતી,
Rajkot: રાજકોટમાંથી ફરી એકવાર વીજ કંપની PGVCLની મોટી કાર્યવાહી સામે આવી છે. અહીં PGVCL ટીમે અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરતાં કરોડોની ચોરી પકડી પાડી છે. ખરેખરમાં, છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટ સહિતના વિસ્તારોમાં PGVCLની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ છે આમાં પાંચ દિવસમાં દોઢ કરોડથી વધુની વીજ ચોરીને પકડી પાડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ સહિતના આજુબાજુના વિસ્તારોમાં PGVCLની ટીમે પાંચ દિવસની દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં 44 ટીમો કામે લાગી હતી, આ તમામ ટીમે ચેકીંગની કામગીરી દરમિયાન આજી, ખોખડદડ, મોરબી રૉડ ઉપરના વિસ્તારોમા દરોડા પાડ્યા હતા, આ દરોડામાં લગભગ પાંચ દિવસમાં દોઢ કરોડની વીજ ચોરીને પકડી પાડી હતી. આમાં 108 કનેક્શનમાંથી 83 લાખને વીજ ચોરી પણ પકડાઇ હતી. જોકે, આ કાર્યવાહી કરવા છતાં હજુ પણ PGVCLની ટીમે વીજ ચોરો સામેની આ ઝૂંબેશને યથાવત રાખી છે.
વાવાઝોડાથી થયું હતુ PGVCLને 125 કરોડનું નુકસાન-
બિપરજૉય વાવાઝોડાએ રાજ્યમાં કેર વર્તાવ્યો છે. બિપરજૉયના કારણે રાજ્યમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે, બિપરજૉય પસાર થઇ ગયા બાદ હવે નુકસાનીના આંકડાઓ સામે આવી રહ્યાં છે. બિપરજૉય વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન પાવર ઇલેક્ટ્રિક કંપની PGVCLને થયુ હોવાનું સામે આવ્યુ છે. બિપરજૉય વાવાઝોડાથી PGVCLને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યુ છે. એક રિપોર્ટ અનુસાર, રાજ્યમાં PGVCLને અંદાજિત 125 કરોડથી વધુનો ફટકો પહોંચ્યો છે. આમાં સૌથી વધુ નુકસાન જામનગરમાં થયુ છે, જામનગરમાં 64 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. આ ઉપરાંત અનેક જગ્યાએ PGVCLને નુકસાનમાં ક્યાંક ટીસી ડેમેડ થયા છે, તો ક્યાંક પાવર સપ્લાય લાઇનો તુટી ગઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં હજારો વીજપૉલ ધરાશાયી થયા છે. બિપરજૉયના કેરના કારણે સૌરાષ્ટ્રમાં 870 ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો છે. આ નુકસાનીમાં સૌરાષ્ટ્રમાં 38,529 જેટલા વીજપૉલ ડેમેજ થયા છે અને 5224 ટીસી ડેમેજ થયા હોવાનું સામે આવ્યુ છે. PGVCLને સૌથી વધુ નુકસાન રાજકોટ, મોરબી, પોરબંદર, જુનાગઢ, જામનગર, ભુજ, અંજાર, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગરમાં કુલ 125.16 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.