14મીએ રાજકોટમાં યોજાનાર ક્ષત્રિય અસ્મિતા સંમેલન મુદ્દે પોલીસને સંયમથી કામ લેવા સૂચના - સૂત્ર
સંમેલનની મંજૂરી માગવામાં આવે તો પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
Kshatriya Smita Sammelan: 14મીએ રાજકોટમાં યોજાનાર ક્ષત્રિય અસ્મિતા સંમેલન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. 14મીના મહાસંમેલન અંગે રાજ્યનો ગૃહ વિભાગ આવ્યો હરકતમાં આવ્યું છે. પોલીસ અધિકારી - કર્મચારીઓને સંયમ સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. સંમેલનની મંજૂરી માગવામાં આવે તો પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, 14મીના ક્ષત્રિય અસ્મિતા સંમેલનને શરતી મંજૂરી મળી શકે છે. શાંતિ ડહોળાઈ નહિ અને સમાજ વચ્ચે વૈમનસ્ય ના ફેલાય તે રીતની શરતને આધીન અપાઈ શકે છે મંજૂરી.
રાજકોટ બેઠક પર ભાજપનું કોકડું ગૂંચવાયેલું છે, ક્ષત્રિય સમાજ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો પૂરજોશમાં વિરોધ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માંગ છે કે, ભાજપે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરી દેવી જોઇએ, નહીં તો ચૂંટણી સમયે હજુ વધુ ઉગ્ર આંદોલન અને આક્રોશ જોવા મળશે. રૂપાલા વિવાદનો લાભ લેવા માટે હવે કોંગ્રેસે પોતાની રણનીતિ બદલી છે. સુત્રો અનુસાર, કોંગ્રેસ હવે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ અને સીનિયર નેતા પરેશ ધાનાણીને ચૂંટણી લડાવી શકે છે. આ માટે હાલમાં પાર્ટીએ પ્રયાસો તેજ કરી દીધા છે.
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજ મહાસંમેલન કરીને હવે નવી રણનીતિ સાથે રૂપાલા અને ભાજપનો વિરોધ કરવા ઉતર્યુ છે, ત્યારે આ તકનો લાભ લેવા માટે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યુ છે. અત્યારે રૂપાલા વિવાદને લઇને ભાજપ અને કોંગ્રેસ સામસામે આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. હવે કોંગ્રેસ આ વિવાદનો લાભ લેવા માટે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.
હવે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર બને તેવા સંકેતો મળી રહ્યાં છે. સુત્રો અનુસાર, હાલમાં પરેશ ધાનાણીને સમજાવવાના કોંગ્રેસ પાર્ટી અને નેતાઓના પ્રયાસ અંતિમ તબક્કામાં છે. અત્યારે ઉભી થયેલી સ્થિતિને ધ્યાને રાખીને પરેશ ધાનાણી તૈયાર કરાયા છે. ધાનાણીને મનાવવા રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ આજે અમરેલી રવાના થયા છે, 50થી વધુ આગેવાનો ધાનાણીને મનાવવા અમરેલી રવાના થયા છે. જેમાં અતુલ રાજાણી, ગોપાલ અનડકટ, જશવંતસિંહ ભાટ્ટી સહિતાના સીનિયરો સામેલ છે. ખાસ વાત છે કે, રાજકોટ બેઠક પર ભાજપના કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારને ઉતારવાની રણનીતિ કોંગ્રેસ બનાવી રહ્યું છે. રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય આંદોલનની લઈ કોંગ્રેસે હવે રણનીતિ બદલી છે. આ પહેલા પણ આ વિવાદ વચ્ચે પરેશ ધાનાણીએ પણ રૂપાલા વિરૂદ્ધ આક્રમક નિવેદન આપીને સંકેત આપ્યા હતા. અત્યારે રાજકોટ બેઠક પર કડવા પાટીદાર જેટલા જ લેઉવા પાટીદાર મતદારો છે, જેનો લાભ લેવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે.