પોલીસની નોકરી આપવાની લાલચ આપનારી ટોળકીનો પર્દાફાશ, મહિલા સહિત બે લોકોની ધરપકડ
PSI અને LRD ભરતીમાં પાસ કરાવવાની લાલચ આપી તોડ કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો
રાજકોટઃ રાજકોટમાં પોલીસની નોકરી આપવાની લાલચ આપવાની ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. PSI અને LRD ભરતીમાં પાસ કરાવવાની લાલચ આપી તોડ કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ પોલીસે એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ક્રિષ્ના ભરડવા નામની મહિલા દલાલ સહિત 2 લોકોની ધરપકડ કરી હતી. ક્રિષ્ના નેતાની ભત્રીજી હોવાનો દાવો કરી લૂંટ ચલાવતી હતી.
મળતી જાણકારી અનુસાર ક્રિષ્ના ભરડવા નામની યુવતી કેન્યા ફરાર થાય તે અગાઉ તેની ધરપકડ કરાઇ હતી. ક્રિષ્ના સિવાય જેનીશ પરસાણાનું નામ પણ સામે આવ્યું છે. પોલીસ વિભાગમાં ઓળખાણ હોવાની વાત કરી બંન્ને જણા લોકો સાથે છેતરપિંડી કરતા હતા. પોલીસની શારીરિક અને લેખિત પરીક્ષા આપ્યા વિના કોલ લેટર આપવાની આરોપીઓ લાલચ આપતા હતા.
પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓએ 10 લોકો પાસેથી એક લાખ 10 હજાર રૂપિયા પડાવ્યા હતા. તો અન્ય બે લોકો પાસેથી ચાર લાખ રૂપિયા પડાવ્યાનો ખુલાસો થયો હતો. પોલીસે ભોગ બનનારા લોકોને નિવેદન માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા.
આરોપી ક્રિષ્ના મૂળ જૂનાગઢની વતની છે. આરોપી ક્રિષ્ના અને જેનીશ એકબીજાના પ્રેમમા છે અને તેઓ આગામી સમયમાં સગાઇ પણ કરવાના હતા. આરોપી ક્રિષ્ના લોકડાઉન સમયે કેન્યાથી ભારત આવી હતી. આરોપી જેનિશ જામનગરનો વતની અને બંન્ને છ મહિના અગાઉ ઇન્સ્ટાગ્રામના મારફતે સંપર્કમાં આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે 12 જેટલા યુવાઓએ આરોપીઓની વાતમાં આવી તેમને રૂપિયા આપી શારીરિક પરીક્ષા પણ આપી નહોતી.
પોલીસ ભરતી બોર્ડનો અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું હતું કે હું પહેલા દિવસથી ઉમેદવારોને ચેતવી રહ્યો હતો કે ભરતીમાં શારીરિક કે લેખિત કસોટીમાં ખોટી રીતે પાસ કરવાનો અવકાશ નથી માટે કોઈ લાલચમાં આવશો નહીં. છતાં પણ આ ઉમેદવારો લાલચમાં આવીને આમાં ફસાયા છે. ખુશીની વાત છે કે રાજકોટ શહેર પોલીસે ત્વરિત પગલા લઇ બે લોકોની ધરપકડ કરી છે.