Rajkot Rain: રાજકોટ શહેરમાં વરસાદ શરુ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ,ગોંડલ રોડ, ઢેબર રોડ,મવડી વિસ્તાર,પીડી માલવીયા કોલેજ,ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં અડધાથી લઈ અને પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રાજકોટ: રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અડધોથી પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ,ગોંડલ રોડ, ઢેબર રોડ,મવડી વિસ્તાર,પીડી માલવીયા કોલેજ,ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં અડધાથી લઈ અને પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. માત્ર પોણો ઇંચ વરસાદમાં રાજમાર્ગો પર પાણી ભરાયા છે.
સામાન્ય વરસાદમાં રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. બે દિવસના વિરામ બાદ રાજકોટ શહેરમાં વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા સહિતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. આ સિવાય જામકંડોરણા તાલુકામાં પણ ભારે વરસાદ પડતા અનેક નદી નાળા છલકાયા છે. જિલ્લામાં સૌથી વધુ ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને પાનેલીમાં વરસાદ વરસ્યો છે.
જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદ
રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. જામકંડોરણાના ખજૂરાહ, બાલાપર, ધકાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તાર ખજૂરાહમાં ઉતાવળી નદી ગાંડી તુર બની છે.
ખજૂરાહ ગામમા જવાનાં રસ્તા ધાબી ઉપર ઉતાવળી નદીના પાણી ફરી વરતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ખજૂરાહ જવાનાં પુલ ઉપર પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. ગામમાં જવા માટે બે કિલોમીટર ફરી અંદર જવુ પડે છે. ઉતાવળી નદી ગાંડીતુર થતા ગ્રામજનો જોવા માટે ઉમટી પડ્યા હતા.
રાજકોટ જિલ્લાના જામકંડોરણાના દૂધીવદર ગામ નજીક આવેલ ફોફળ ડેમ ઓવરફ્લો થયો છે. દુધીવદર ગામ પાસેની નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસના વિસ્તારો અનિડા વાછરા સહિતના ગામડાઓમાં સારા વરસાદને લઈને પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. ધોરાજી શહેર તેમજ જામકંડોરણા તાલુકાના ગામને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ડેમ કાંઠા વિસ્તારના રાયડી, તરવડા,ઇશ્વરીયા,દૂધીવદર,વેગડી ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર નહિ કરવા તંત્રએ સૂચના આપી છે.
અમદાવાદમાં સાંજે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં મોડી સાંજે ધમાકેદાર વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદ પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ, ગાંધી રોડ, આશ્રમ રોડ, સીજી રોડ, નરોડા, નારોલ, નિકોલ, બાપુનગર, કૃષ્ણનગર, નરોડા, આસ્ટોડિયા, ગીતા મંદિર, રાયપુર, ખાડિયા, જમાલપુર, બોપલ, ઘુમા, શીલજ, મેઘાણીનગર, મેમ્કો, શાહીબાગ, સેટેલાઈટ રોડમાં વરસાદનું આગમન થયું છે. આ ઉપરાંત રાણીપ, વાડજ, ઘાટલોડિયામાં વરસાદનું જોર વધ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાણંદ, બાવળા, ધંધુકામાં વરસાદ શરૂ થયો છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial