રાજકોટઃ દવા પીને સૂઈ ગયેલી યુવતીને ભાન ના રહેતાં ઉંઘમાં જ 40 દિવસનો પુત્ર કચડાઈને મોતને ભેટ્યો....
શનિવારે રાત્રે માતાએ શરદીની દવા પીધી હતી અને પુત્રને શરદીનો ચેપ લાગે નહીં એ માટે તેને પોતાની બાજુમાં સુવડાવવાને બદલે કાજલબેને થોડે નીચે કમર પાસે સુવડાવ્યો હતો.
રાજકોટમાં માતાના જ ભારથી દબાઈને 40 દિવસના પુત્રનું મોત થયું છે. આ ઘટના રાજોકટ શહેરના નીલકંઠ પાર્કમાં બની છે. જ્યાં માતા રાત્રે શરીદીની દવા પીને સુઈ ગઈ હતી અને નિંદરમાં જ તેના ભારથી પુત્રનું મોથ થયું હતું.
મળતી માહિતી મુજબ કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રહેતો 40 દિવસનો વેદ રવિભાઇ જાનિયાણી રવિવારે વહેલી સવારે તેની માતાના પગ નીચે દબાઇ જતાં ગૂંગળાઇ ગયો હતો. બાદમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત થયું હતું. જાણકારી અનુસાર પૂઠા બનાવવાનું કારખાનું ધરાવતા રવિભાઇ જાનિયાણીને ત્યાં ચાલીસ દિવસ પૂર્વે જ પુત્રનો જન્મ થયો હતો, પુત્રના જન્મથી જાનિયાણી પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી થોડા દિવસ માટે જ રહી અને જાનિયાણી પરિવારને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે આવું કંઈ થશે. રવિભાઇનાં પત્ની કાજલબેનને બે દિવસથી શરદી થઇ હતી, પોતાની શરદીનો ચેપ પોતાના વહાલસોયા વેદને લાગુ પડે નહીં તેની માતા કાજલબેન સતત ધ્યાન રાખતા હતા.
શનિવારે રાત્રે કાજલબેને શરદીની દવા પીધી હતી . તેમને શરદી ખૂબ જ હોય અને પુત્રને શરદીનો ચેપ લાગે નહીં એ માટે તેને પોતાની બાજુમાં સુવડાવવાને બદલે કાજલબેને થોડે નીચે કમર પાસે સુવડાવ્યો હતો. કાજલબેન તથા તેનો પુત્ર વેદ સૂઇ ગયા હતા. બાદમાં જ્યારે સવારે 4 વાગ્યા રવિભાઈ જાગ્યા ત્યારે પત્ની પાસે સૂતેલા પુત્રની સ્થિતિ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પુત્ર વેદ તેની માતા કાજલબેનના પગ નીચે દબાયેલો જોવા મળ્યો હતો, રવિભાઇએ તાકીદે પત્નીને ઉઠાડી પુત્રને બહાર કાઢ્યો હતો, પરંતુ તે બેભાન થઇ ગયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલે લઇ જવાયો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. એકના એક પુત્રના મોતથી માતા-પિતાએ કરેલા આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી.