Rajkot: કરોડપતિ પરિવારની મહિલાએ હોસ્પિટલ જઈ ડોક્ટરને કહ્યું, મારે કિડની વેચવી છે, શું કિમત આવે ? મામલો જાણીને ચોંકી જશો
એક સમયે રાજકોટના ગર્ભ શ્રીમંત પરિવારે બેંકમાંથી કેશ ક્રેડિટ અને લોન લેતા કરોડોના ચક્કરમાં ફસાયું હતું. દેવું ભરપાઈ ન થતા પતિને આપઘાતનો વિચાર આવ્યો, બંને પુત્રો પણ નિઃસહાય બની ગયા હતા.
Rajkot News: રાજકોટના હાઇ પ્રોફાઈલ પરિવારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડીઝલ એન્જિન અને ઓટો પાર્ટ્સમાં જેનો દેશ અને દુનિયામાં દબદબો હતો તે કરોડપતિ પરિવારની મહિલા ખાનગી હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં જઈ તેણે તબીબને કહ્યું દેવુ ઉતારવા કિડની વેચવી છે, શું કિંમત આવે ? ખાનગી હોસ્પિટલના ડોક્ટર પણ આ વાત સાંભળીને ચોકી ઉઠ્યા હતા. એક સમયે રાજકોટના ગર્ભ શ્રીમંત પરિવારે બેંકમાંથી કેશ ક્રેડિટ અને લોન લેતા કરોડોના ચક્કરમાં ફસાયું હતું. દેવું ભરપાઈ ન થતા પતિને આપઘાતનો વિચાર આવ્યો, બંને પુત્રો પણ નિઃસહાય બની ગયા હતા. જેને લઈ મહિલા પોતાની કીડની વેચવા તૈયાર થઈ હતી.
શું છે મામલો
16મી ઓગસ્ટના રોજ શહેરની એક હોસ્પિટલમાંથી 181 અભયમની ટીમને હોસ્પિટલમાંથી ફોન દ્વારા જણાવાયું હતું કે, એક પીડિત બહેન આવ્યા છે અને પોતાની કિડની વેચવાનું જણાવે છે. આટલું સાંભળતા જ 181 રેસકોર્ષ ટીમના કાઉન્સેલર જીનલબેન વણકર અને કોન્સ્ટેબલ પૂજાબેન હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ ટીમે પીડિતા બેનનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું અને મહિલાને કિડની વેચવા પાછળનું કારણ જણાવવા કહ્યું હતું. પીડિત મહિલાએ દુઃખ સાથે જણાવ્યું હતું કે, મારા પતિ અને મારા બે છોકરાઓ ઉપર ખૂબ દેવું થઈ ગયું છે. જેથી અમારા ઘરમાં રોજના ઝઘડા થાય છે અને મારા પતિ ખૂબ જ ટેન્શનમાં રહે છે અને આત્મહત્યા કરવાનું વિચારે છે. તેથી હું એક પત્ની તરીકે મારા પતિની મદદ કરવા માગું છું અને હું મારી એક કિડની વેચીને મારા પતિનું દુઃખ હળવું કરવા માગું છું. અભયમની ટીમે પીડિત મહિલાને સમજાવી હતી કે, તમે આ કિડની વેચવાની વાત તમારા પતિ અને છોકરાઓને જાણ કરી છે? તો પીડિત મહિલાએ ના પાડી હતી. મહિલાએ કહ્યું હતું કે, દેવું થવાથી કોઈને પણ આત્મહત્યા કરવી જોઈએ નહીં અને કિડની વેચવાનો વિચાર યોગ્ય નથી. તમારા બંને છોકરાઓ 18 વર્ષ ઉપરના છે તો તે લોકો પણ કામકાજ કરવા માટે જઈ શકે છે અને તમે પણ નાના-મોટા કામ કરીને પૈસા કમાઈ શકો છો. નાના મોટા દેવા માટે તમારા જીવનને જોખમમાં નાખીને કિડની વેચવી જોઈએ નહીં.
ત્યાર બાદ મહિલાના પતિનો ફોનથી સંપર્ક કરીને હોસ્પિટલ બોલાવ્યા હતા. 181ની ટીમે તેની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓએ ઓનલાઇન હોમ ક્રેડિટની લોન લીધેલી. જેના હપ્તા ન ભરવાથી પેનલ્ટી આવેલી અને એમના ઘરે નોટિસ પણ આવેલી. તેથી આગળ તેમને શું કરવું તે સમજાતું ન હતું. વિગતો જાણી 181ની ટીમે તેમને સમજાવ્યા હતા કે, તમે આત્મહત્યાના વિચાર કરશો તો તમારા પત્ની અને તમારા છોકરાઓ પર વધારે ખરાબ અસર થશે અને તમે આવી રીતના મનથી હારી જશો તો તમારા પત્ની અને તમારા બાળકો પણ હતાશ થઈ જશે. તેથી ઘરના બધા સભ્ય જો મહેનત કરી કમાવાનું શરૂ કરી દેશો તો તમારા ઘરનું દેવું જલ્દી ખતમ થઈ જશે .