કોરોનાના કારણે મોત વધતાં ગુજરાતના આ મોટા શહેરમાં નવું સ્મશાન બનાવવું પડ્યું
રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી લોધીકા તાલુકાના વાગુદડ ગામ નજીક ન્યારી ડેમ પાસેની જગ્યામાં 15 સગડી સાથે કોવિડ સ્મશાન શરૂ કરાયું છે.
રાજકોટ: ગુજરાતમાં કોરોનાએ કાળો (Gujarat Corona Cases) કહેર મચાવ્યો છે. કોરોનાથી બચવા અનેક શહેરો, ગામડાઓમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) નાંખ્યું છે. અમદાવાદ અને સુરત બાદ હવે રાજ્યના અન્ય શહેરોમાં કોરોનાએ તાંડવ કરવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 73 દર્દીના મોત થયા હતા. જોકે મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા કરવામાં આવશે. ગઈકલે પણ 77 દર્દીના મોત થયા હતા. જે પૈકી 11 દર્દીના કોવિડથી મોત થયાનો ડેથ ઓડિટ કમિટીએ રિપોર્ટ જાહેર કર્યો હતો.
રાજકોટના વાગુદળ ગામ પાસે મહાનગરપાલિકાએ રાજકોટનું સૌથી મોટું કોવિડ સ્મશાન શરૂ કર્યું છે. અહીં એક સાથે 15 સગડી મુકવામાં આવી છે. સવારના 7 થી મોડી સાંજ સુધી સ્મશાન ચાલુ રહેશે અને છાણા ભરેલો ટ્રક પણ લાવવામાં આવ્યો છે. ગુરુવાર સવારથી એક સાથે 15 મૃતકની કોવિડ પ્રોટોકોલથી અંતિમવિધિ કરાશે. રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી લોધીકા તાલુકાના વાગુદડ ગામ નજીક ન્યારી ડેમ પાસેની જગ્યામાં 15 સગડી સાથે કોવિડ સ્મશાન શરૂ કરાયું છે.
રાજકોટમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 28543 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4910 દર્દી સારવાર હેઠળ છે. મોટાભાગની તમામ હોસ્પિટલમાં બેડ હાઉસફુલની સ્થિતિ સામે આવી છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
બુધવારે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા હતા તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે. રાજ્યમાં બુધવારે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.