News: રાજકોટ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકોની આવકો બમણી, મગફળી-સોયાબીનના બોલાયા આટલા ભાવ
રાજ્યમાં હવે ધીમે ધીમે ખરીફ પાકનું ઉત્પાદન માર્કેટમાં આવતુ થયુ છે, આજે રાજકોટના ગોંડલ માર્કેટમાં ખરીફ પાકની આવકોમા જોરદાર વધારો જોવા મળ્યો હતો
Rajkot News: રાજ્યમાં હવે ધીમે ધીમે ખરીફ પાકનું ઉત્પાદન માર્કેટમાં આવતુ થયુ છે, આજે રાજકોટના ગોંડલ માર્કેટમાં ખરીફ પાકની આવકોમા જોરદાર વધારો જોવા મળ્યો હતો, સિઝનમાં આ વખતે બમણો ખરીફ પાક જોવા મળ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી, સોયાબીન સહિતના પાકોની આવકો પુરજોશમાં આવી રહી છે.
રાજકોટના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં આજે ખરીફ પાકની આવકો મોટા પ્રમાણમાં જોવા મળી હતી. રાજકોટ જિલ્લા ગોંડલ યાર્ડમાં મગફળી અને સોયાબીનની આવકો લગભગ બમણી થઇ ગઇ છે.
આજે સવારો ગોંડલ યાર્ડમાં 45 હજાર ગુણીની આવક જોવા મળી હતી, જ્યારે સોયાબીનની 30 હજાર કટ્ટા આવક થઇ હતી.
ખાસ વાત છે કે, મગફળીની હરાજીમાં 20 કિલો મગફળીના ભાવ 900 થી 1400 રૂપિયા સુધીના ભાવો બોલાયા હતા. સોયાબીનની હરાજીમાં 20 કિલોના ભાવ 700 થી 900 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.
સૌરાષ્ટ્રમાં કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન, પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને હાલત કફોડી
સૌરાષ્ટ્રના બે મુખ્ય પાક કપાસ અને મગફળી છે. આ વખતે પાછોતરા વરસાદના કારણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાછોતરા વરસાદના કારણે અમુક ખેડૂતોનો ઉભો કપાસ સુકાઈ ગયો તો અમુક ખેડૂતોના કપાસના ફુલ ખરી ગયા છે. ગત વર્ષે કરતા કપાસના ભાવ 250 થી 300 ઓછા મળ્યા છે.
સૌરાષ્ટ્રમાં દર વર્ષે કપાસનું વાવેતર વધતું જાય છે તો બીજી બાજુ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોનો કપાસ ઊભો સુકાઈ ગયો છે તો અમુક ખેડૂતોને પાછાતરા વરસાદના કારણે જિંડવા ખરી ગયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવકો થઈ છે. રાજકોટમાં ખેડૂતોને એક મણ કપાસના 1400 થી 1500 રૂપિયા ભાવ મળે છે.
ગયા વર્ષ કરતા કપાસના 250 થી 300 રૂપિયા ભાવ ઓછા મળી રહ્યા છે. એક બાજુ પાછોતરા વરસાદના કારણે કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તો બીજી બાજુ ભાવમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પાછોતરા વરસાદ પડ્યો જેના કારણે કપાસના ફુલ ખરી ગયા છે. ખેડૂતોએ કહ્યું એક વીઘે 10 થી 15 મણ કપાસનું ઉત્પાદન થશે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં દર વર્ષે કપાસનું વાવેતર વધ્યું છે પરંતુ ભાવમાં ઘટાડો છે. ખેડૂતોએ કહ્યું 1700 થી 1800 રૂપિયા મણના ભાવ મળે તો પોષણક્ષમ કહેવાય.
આ વર્ષે કપાસની વૈશ્વિક માંગમાં પણ ઘટાડો થયો છે. હાલમાં ઇઝરાયલ અને હમાસના યુદ્ધના કારણે પણ કપાસનો ભાવ ડાઉન થયાનો વેપારીનો અંદાજ છે. આ વખતે ભારતમાં 3 લાખ 30 હજાર ગાંસડી જેટલું કપાસનું ઉત્પાદન અંદાજ છે. પાછોતરા વરસાદના કારણે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ઘટવાનું અંદાજ છે . ભારતના કપાસની વિશ્વ બજારમાં પણ માંગ છે પરંતુ વિશ્વના અન્ય બજારોમાં પણ કપાસનું સારું એવું ઉત્પાદન થતું હોવાના કારણે હાલમાં કપાસની માંગમાં ઘટાડો થયો છે. હાલમાં ભારતનો કપાસ સૌથી વધુ બાંગ્લાદેશમાં નિકાસ થાય છે. વિશ્વના અન્ય દેશોમાં પણ દોરાની નિકાસ થઈ રહી છે.