શિક્ષણના ધામમાં હેવાનિયત! રાજકોટની સ્કૂલમાં બાળકીના ગુપ્તાંગમાં બોલપેન ભરાવી; શિક્ષક પર શંકા, મામલો દબાવવાનો પ્રયાસ?
૧૧ એપ્રિલે બની ઘટના, માતાની તપાસ બાદ ભાંડો ફૂટ્યો, શિક્ષક પર શંકા, મામલો દબાવવાનો પ્રયાસ?

Rajkot school incident: શહેરની એક પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક અત્યંત ચકચારભરી અને હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતી એક બાળકીના ગુપ્તાંગ ભાગમાં બોલપેન ભરાવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે બાળકીને ઈજા પહોંચી છે.
આ ઘટના ગત ૧૧મી એપ્રિલના રોજ બની હોવાનું કહેવાય છે. બાળકી શાળાએથી ઘરે આવ્યા બાદ તેણે તેની માતાને જણાવ્યું હતું કે તેને દુઃખાવો થઈ રહ્યો છે. જોકે, તે સમયે માતાએ કદાચ સામાન્ય બાબત સમજીને વધુ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ બીજા દિવસે બાળકીએ પેશાબની જગ્યાએ ખૂબ જ દુઃખાવો થતો હોવાની ફરિયાદ તેની માતાને કરી હતી.
બાળકીની સતત ફરિયાદ બાદ માતાએ જ્યારે તેની ચકાસણી કરી, ત્યારે ગુપ્ત ભાગમાં પરુ જેવું જોવા મળ્યું હતું. આ જોતા જ માતા ચોંકી ઉઠ્યા હતા અને તેમને લાગ્યું કે બાળકી સાથે શાળામાં કંઈક અજુગતું બન્યું છે. તાત્કાલિક બાળકીને વધુ સારવાર અને તપાસ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન, બાળકી પાસેથી માહિતી મેળવવા માટે તેને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના ફોટા બતાવવામાં આવ્યા હતા. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેના પ્રાઈવેટ પાર્ટમાં કોણે બોલપેન ભરાવી હતી, ત્યારે બાળકીએ એક શિક્ષકના ફોટા પર આંગળી મૂકી હતી. બાળકીના આ ઈશારાથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે અને શિક્ષક પર શંકાની સોય તાકાઈ છે.
આ સમગ્ર મામલે ગંભીરતા જોતા, પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અનુમાન છે. જોકે, બીજી તરફ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આટલી ગંભીર ઘટના હોવા છતાં મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ, જ્યાં આ ઘટના બની હોવાનું કહેવાય છે, તે રાજકોટના એક દિગ્ગજ નેતાની હોવાનું પણ સામે આવ્યું છે.
જોકે, શાળાના સંચાલકો અને શિક્ષકો દ્વારા સમગ્ર ઘટનાને નકારી કાઢવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર આક્ષેપો અને શાળાના ઇનકાર વચ્ચે સત્ય શું છે તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. બાળકીને ન્યાય મળે અને આવા કિસ્સાઓમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી ઉઠી રહી છે. આ ઘટનાએ શિક્ષણ સંસ્થાઓમાં બાળકોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.




















