Rajkot : દેવસ્થાને દર્શન કરવા જઈ રહેલા પરિવારની વાન અને ક્રેટા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3નાં મોત
ઉપલેટામાં વાન અને ક્રેટા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. ઉપલેટા નજીક બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી.
રાજકોટઃ ઉપલેટામાં વાન અને ક્રેટા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. ઉપલેટા નજીક બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની આ ઘટના ઉપલેટા નજીક મોટી પાનેલી સીદસર રોડ પર ઘટી હતી. પાનેલી તરફ જતી રહેલ મારૂતિ વાન અને સીદસર તરફ જઈ રહેલી ક્રેટા કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દસ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ત્રણનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.અકસ્માતની જાણ થતા 108ની ટીમ ઘટના સ્થળે તુરંત દોડી આવી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોતાના દેવ સ્થાને દર્શન કરવા જઈ રહેલા પરિવારોનો પાનેલીના સીદસર રોડ પર અકસ્માત સર્જાયો.અકસ્માતમાં ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ મારૂતિ વાનના ચાલક અતુલભાઈ રાવરાણી નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. સારવાર દરમિયાન મોત થનાર વ્યક્તિના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જયારે અકસ્માતમાં અમુક વ્યક્તિઓને વધુ ઈજાઓ અને હાલત ગંભીર માલુમ પડતા જામનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્ત લોકોમાં ત્રીગુણાબેન રતિલાલ મહેતા, શાંતાબેન અમૃતલાલ મહેતા, જગદીશ મનુભાઈ મહેતા, દિલીપ રતિલાલ મહેતા, શીતલબેન જગદીશભાઈ મહેતા, મનુબેન મનસુખભાઈ મહેતા, રમેશભાઈ બાઉભાઈ રાદડિયા, રાજુભાઈ ભીખાભાઈ રાદડિયા તેમજ અતુલભાઈ લિલાધરભાઈ રાવરાણી નામના વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા મારૂતિ વાનના ચાલક અતુલભાઈ લિલાધરભાઈ રાવરાણીનું ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
3 વ્યક્તિનું મોત થયું હતું, જેમાં બે વૃદ્ધ મહિલા સારવાર અર્થે પહોંચે તે પહેલાં જ મોત થયું છે. 74 વર્ષીય શાંતાબેન અમૃતલાલ મહેતા તેમજ 70 વર્ષીય મંજુબેન મનસુખભાઈ મહેતા નામના બે મહિલાના મોત થયા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકોમાં અમુક દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.