સૌરાષ્ટ્રમાં કોરોનાએ SRP જવાનના પરિવારનાં ત્રણનો ભોગ લીધો , જાણો ક્યાં ફરજ બજાવતા હતા જવાન ?
ગોંડલ એસઆરપી ગ્રુપ 8ના કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઇ દોલતભાઇ સૂર્યવંશી તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ત્યાં ફરજ પર હતા. દરમિયાન તેમની તબિયત લથડતાં અને કોરોના પોઝિટિવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે રાજોકટ જિલ્લાના ગોંડલ શહેરમાં એક જ પરિવારના ત્રણ લોકોના કોરોનાથી મોત થતાં ખળભળાટ મચી ગયો છે. એસ.આર.પી. કોન્સ્ટેબલ જિતેન્દ્ર સૂર્યવંશી, તેનાં પિતા તથા બહેનનાં કોરોનાને કારણે એક જ દિવસે મોત થયાં છે. ત્રણ-ત્રણ સભ્યોના મોતથી પરિવાર તેમજ એસઆરપી કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતા-પુત્રી અને પુત્રના અલગ અલગ રાજ્યમાં મોત થયાં છે. જિતેન્દ્ર સૂર્યવંશીનું તામિલનાડુમાં, જ્યારે તેના પિતા અને બહેનનું મહારાષ્ટ્રમાં મોત થયું છે.
મળતી વિગતો પ્રમાણે, ગોંડલ એસઆરપી ગ્રુપ 8ના કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઇ દોલતભાઇ સૂર્યવંશી તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ત્યાં ફરજ પર હતા. દરમિયાન તેમની તબિયત લથડતાં અને કોરોના પોઝિટિવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
બીજી તરફ તેમના પિતા દોલતભાઇનું પણ તેમના વતન મહારાષ્ટ્રના બેટાવદ ગામે કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. તેમના બહેન મંગલબેનનું પણ આ જ દિવસે કોરોનામાં નિધન થયું હતું. એક જ પરિવારની ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. દોલતભાઇ ગોંડલ ખાતે એસઆરપીમાં ફરજ બજાવી તેમના વતનમાં નિવૃત્ત જીવન ગાળતા હતા. જ્યારે તેમનાં બહેન મહારાષ્ટ્રના ભાષ્ટ ખાતે રહેતાં હતાં.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર થમી નથી રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-6, રાજકોટમાં-2, સાબરકાંઠા-2, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત અને વડોદરામાં એક-એકના મોત સાથે કુલ 73 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4995 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2491, સુરત કોર્પોરેશનમાં 1424, રાજકોટ કોર્પોરેશનમાં 551, વડોદરા કોર્પોરેશનમાં 317, જામનગર કોર્પોરેશન 189, મહેસાણા 191, સુરત 231, બનાસકાંઠા 119, વડોદરા 135, જામનગર 119, ભરુચ-124, પાટણ -108, રાજકોટ-102, ભાવનગર કોર્પોરેશન-84, ભાવનગર-81, નવસારી-78, આણંદ- 76, પંચમહાલ-73, સુરેન્દ્રનગર-69, કચ્છ-68, ગાંધીનગર-62, દાહોદ-61, ગાંધીનગર કોર્પોરેશન-58, અમરેલી-55, જુનાગઢ કોર્પોરેશન-54, જુનાગઢ-52, ખેડા-51, મહીસાગર-49, મોરબી-41, સાબરકાંઠા-41, તાપી-41, વલસાડ-37, અમદાવાદ-35, અરવલ્લી-26,બોટાદ-26, ગીર સોમનાથ-23, નર્મદા-21, દેવભૂમિ દ્વારકા-20, છોટા ઉદેપુર-12, પોરબંદર-9 અને ડાંગમાં 6 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 85,29,083 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,03,465 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 97,32,548 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.