ગુજરાતની શાળાઓમાં કોરોના સંક્રમણ યથાવતઃ હવે કઈ સ્કૂલમાં એક સાથે 4 વિદ્યાર્થીઓ આવ્યા પોઝિટીવ?
રાજકોટની SNK સ્કૂલના ૪ વિધાર્થી અને એક શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. મહાત્મા ગાંધી સ્કૂલના ૨ વિધાર્થી કોરોના સંક્રમિત થયા છે. શાળાઓમાં વધતા કેસ ચિંતાજનક છે.
રાજકોટ: ગુજરાતમાં ફરી એકવાર સ્કૂલોમાં કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યું છે. જેને કારણે વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. આજે ફરી એકવાર રાજકોટની સ્કૂલમાં કોરોનાના કેસો નોંધાયા છે. શહેરની SNK સ્કૂલના ૪ વિધાર્થી અને એક શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. મહાત્મા ગાંધી સ્કૂલના ૨ વિધાર્થી કોરોના સંક્રમિત થયા છે. શાળાઓમાં વધતા કેસ ચિંતાજનક છે.
વલસાડની ત્રણ શાળામાં ત્રણ બાળકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. વલસાડ જિલ્લાના વલસાડ, પારડી અને વાપીની શાળામાં એક એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. પારડીની શાળામાં ધો.12ની વિદ્યાર્થી પોઝિટિવ આવતા અન્ય 50 બાળકોનું પણ RTPCR ટેસ્ટિંગ કરાયું હતું. હાલ અન્ય સૂચના ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળામાં ન આવવા જણાવાયું છે.
સુરતની વધુ 2 સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. પીપી સવાણી સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. પીપી સવાણીમાં બંને વિદ્યાર્થીઓ ધોરણ 10માં અભ્યાસ કરે છે. પીપી સવાણીમાં 380 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું. તમામ નેગેટિવ આવ્યા છે. ફાઉન્ટેન હેડ સ્કૂલમાં 1 વિદ્યાર્થી અને 1 શિક્ષક કોરોના પોઝિટિવ આવતાં 147 લોકોનું ટેસ્ટિંગ કરાયું. જોકે, તમામ નેગેટિવ આવ્યા છે. સલામતીના ભાગરૂપે વર્ગો બંધ કરાયા છે.
આ સિવાય રાજકોટના જેતપુર તાલુકામાં સ્કૂલના વિદ્યાર્થીમાં કોરોનાનો પગ પેસારો થયો છે. જેતપુરના અમરનગર સરકારી સ્કૂલમાં વિધાર્થીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમરનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધોરણ 2 માં અભ્યાસ કરતા બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. DEOએ જેતપુરની અમરનગરની સ્કૂલને સોમવાર સુધી બંધ રાખવા આદેશ આપ્યા છે. જેતપુર હેલ્થ તંત્ર દ્વારા શિક્ષકો સહિત તમામ લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા છે. બીજી તરફ 69 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,198 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા છે. આજે 1,75,539 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.