વડોદરા અને રાજકોટમાં હજારો નાગરિકો રોગચાળાના ભરડામાં, તાવ, ઝાડા-ઉલટી, કોલેરાના સૌથી વધુ કેસ
કન્સ્ટ્રકશન સાઇટ, હોસ્પિટલો, શાળાઓ અને હોટલો બહાર ભરાઈ રહેતા પાણીને લઈને 110 થી વધુ ને નોટિસ આપવામાં આવી છે. ભરાઈ રહેલા ચોમાસાના પાણીમાં મચ્છરના લારવાઓ એ સ્થાન લીધું છે.
વડોદરા-રાજકોટઃ ચોમાસાની સિઝન અને સતત પડી રહેલા વરસાદી માહોલની વચ્ચે રોગચાળામાં પણ વધારો થયો છે. વડોદરામાં હજારો નાગરિકો રોગચાળાના ભરડામાં આવ્યા છે. શહેરની સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં ઓપીડી ખાતે હજારો દર્દીઓ જોવા મળ્યા છે.
તાવ, ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કોલેરા, ટાઈફોડ જેવી બીમારીઓના કેસ વધુ જોવા મળી રહ્યા છે. જોકે આ રોગચાળાની વચ્ચે કોર્પોરેશન તંત્રએ કામગીરી કર્યા હોવાના દાવા કર્યા છે.
કન્સ્ટ્રકશન સાઇટ, હોસ્પિટલો, શાળાઓ અને હોટલો બહાર ભરાઈ રહેતા પાણીને લઈને 110 થી વધુ ને નોટિસ આપવામાં આવી છે. ભરાઈ રહેલા ચોમાસાના પાણીમાં મચ્છરના લારવાઓ એ સ્થાન લીધું છે.
સરકારી ચોપડે બીમારીઓના આંકડા
તાવ - 290
ઝાડા ઉલટી - 230
ડેન્ગ્યુ - 116
મેલેરિયા - 28
ટાઈફોડ - 225
કોલેરા - 221
ચિકનગુનિયા - 45
રાજકોટમાં પણ રોગચાળાએ માથું ઊંચક્યું
રાજકોટમાં ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના, મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. એક સપ્તાહમાં નવા 465 દર્દીઓ નોંધાયા, ડેન્ગ્યુના નવા 2 કેસ, ચિકન ગુનિયાના 3, તાવ, શરદી ઉધરસ સહિતના કેસમાં ઉછાળો આવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે ધૂપ છાંવ જેવા વાતાવરણથી રોગચાળો વકર્યો છે. ખાદ્ય ચીજોમાં ભેળસેળ અને સતત વરસાદી વાતાવરણના કારણે રોગ ચાળાએ માથું ઉચક્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સવારથી લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ તાવ,સરદી અને ઉધરસ ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
સુરત સહિત અનેક શહેરમાં આંખ આવવાના રોગની સંખ્યા પણ વધી છે. હાલમાં કન્જક્ટીવાઈટીસ (આંખ આવવાનો) રોગ લોકોમાં જોવા મળી રહ્યો છે સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં હાલ કન્જક્ટીવાઈટીસ રોગનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. અનેક વિદ્યાર્થીઓને આંખ આવી હોવા છતાં હજી સુધી તેમની અને અન્ય વિદ્યાર્થીઓની કાળજી રાખવા માટે કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. આ રોગ ચેપી હોવાથી અન્ય વિદ્યાર્થીઓને પણ ચેપ લાગવાની શક્યતા હોય સમિતિની સ્કુલના શિક્ષકો જ તકેદારી રાખી રહ્યાં છે. વર્ગ ખંડમાં જે વિદ્યાર્થીની આંખ આવી હોય તેના વાલીને ફોન કરીને વિદ્યાર્થીને સ્કૂલમાંથી લઈ જવા માટે સુચના આપવા સાથે તેની કાળજી કરવી અને દવા કરાવવા માટે સમજ આપવામાં આવી રહી છે.