નકલી ટોલબૂથ કાંડમાં વધુ ત્રણ આરોપીઓ ઝડપાયા, મુખ્ય આરોપી અમરીશ જેરામ પટેલ પોલીસ પકડથી દુર
વાંકાનેરના વધાસીયા ગામની સીમમાંથી ધરપકડ કરી હોવાની માહિતી મળી છે.
Fake Toll Plaza: મોરબી વાંકાનેર વધાસીયા ટોલનાકાનો મામલે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે. વાંકાનેર સીટી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. વધાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેરના વધાસીયા ગામની સીમમાંથી ધરપકડ કરી હોવાની માહિતી મળી છે. ટોલનાકા કાંડના મુખ્ય આરોપી અમરશી જેરામ પટેલ હજુ પણ પોલીસ પકડથી દુર છે. અત્યાર સુધીમાં પાંચ આરોપીની ધરપકડ થઇ ચુકી છે.
નોંધનીય છે કે, સામાજિક નેતા એવા જેરામ પટેલના પુત્ર અમરશી પટેલનું નામ પણ આ એફઆઈઆરમાં છે ત્યારે એફઆઈઆર નોંધાયા બાદ જેરામભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તે પણ ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની ગાડીમાં. જો કે દુર્લભજી દેથરીયા ત્યારે ટેલિફોનિક ઈન્ટરવ્યૂમાં પોલીસ સ્ટેશન પહોંચવાનું કારણ અલગ બતાવી રહ્યા હતા. તો જેરામભાઈ એ આ ફેક્ટરી ભાડે આપી હોવાનુ કહીને પુત્ર અમરશીનો બચાવ કર્યો હતો.
રાજ્યમાં ફર્જીવાળાના પર્દાફાશ થવા લાગ્યા છે અને અલગ અલગ પ્રકારના નકલીના ખેલ ચાલી રહ્યા છે ત્યારે દોઢ વર્ષ સુધી ચાલેલા આ નકલીના ખેલના આકા કોણ હતા અને તે આકાઓને બચાવનારાઓ કોણ હતા તે પણ સામે આવી રહ્યું નથી. આ પ્રકારની ગતિવિધિઓ પર બ્રેક લાગે તે માટે સત્વરે કાર્યવાહી થાય અને કોઈની પણ શેહશરમ રાખ્યા વગર કૌભાંડીઓને તેમની કરતૂતની સજા અપાવવાનો કાનૂની રાહે પ્રયાસ થાય તે જ જરૂરી છે. જો પોલીસે આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી હોય અને તેની જાણકારી સાર્વજનિક કરવાથી તપાસને નુકસાન ન થયુ હોય તો તે જાણકારી માધ્યમો થકી જાહેર જનતા સુધી પહોંચાડાય તે આવકાર્ય છે અને જો નક્કર કાર્યવાહી ન થતી હોય તો સ્વાભાવિક રીતે જ તપાસ પર સવાલ ઉઠે અને ઉઠવાજ જોઈએ.
અહીં સવાલ એ નેતાઓ પર પણ ઉઠે છે જે કોઈને કોઈ મુદ્દે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્રો લખતા હોય છે. આટલો મોટો ફર્જીવાળો થયો છતાંય આરોપીઓે સત્વરે પકડવાની માગ સાથે પત્ર લખનારા કૉંગ્રેસ કે ભાજપના કોઈ ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્યનો પત્ર કેમ સામે નથી આવતો. અન્ય મુદ્દે સક્રિય દેખાતા સાંસદો અને પૂર્વ સાંસદોને પણ આ ફર્જીવાળા મુદ્દે જલ્દી કાર્યવાહી કરવું જોઈએ તેવુ ધ્યાન કેમ નથી આવતું તે એક મોટો સવાલ છે.