(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot Rain: રાજકોટમાં સાંબેલાધાર વરસાદ, 10 કલાકમાં 10 ઇંચ વરસતા જળબંબાકારની સ્થિતિ
Rajkot Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બનતાં રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ છે.
Rajkot Rain:ઉત્તર અને મધ્ય ગુજરાત બાદ આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જકોટમાં છેલ્લા 10 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસતાં જળબંબાકારન સ્થિતિ છે. અવિરત વરસાદના કારણે અને વિસ્તાર જળમગ્ન બન્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સતત વરસાદના કારણે માધાપર ચોકડીમાં નદી વહેતી હોય તેવા દ્વશ્યો સર્જાયા છે. ભારે વરસાદ અને રોડ રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા અનેક વાહનો રસ્તા પર અટવાયા હતા.
રાજકોટમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સતત ત્રીજા દિવસે રાજકોટમાં અનરાધાર વરસાદથી માધાપર ચોકડી પર કેડ સમા પાણી ભરાયા છે. અહીં રૈયા ચોકડી ટેલિફોન એક્સચેન્જ પાસે પણ ઘુંટણસમા પાણી ભરાયા છે. અતિભારે વરસાદને પગલે મનપાએ ત્રણ બ્રિજ બંધ કર્યાં છે.
મહિલા કોલેજ અન્ડર બ્રિજ, રેલનગર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સતત ત્રણ દિવસથી વરસેલા ભારે વરસાદના કારણે આજી ડેમ પણ ઓવરફ્લો થયો છે. રામનાથ મંદિરમાં પણ પાણી ભરાઇ જતાં મંદિર દર્શનાર્થી માટે બંધ કરી દેવામાં આવ્યુંછે. વોર્ડ નં.4 અને 16 અને લલુડી વોકળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. માત્ર રાજકોટ શહેર જ નહી પરતું હાઇવે રસ્તા પર જળમગ્ન થયા છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે. માલિયાસણ બ્રિજ પાસે એક ફુટ સુધીના પાણી ભરાતા વાહન અટવાયા છે.
રાજકોટમાં મેઘરાજાની ધમકેદાર બેટિંગના કારણે શહેરના તમામ વિસ્તારો જળમગ્ન બન્યા છે. રૈયા રોડ પરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. રૈયા રોડ પરના આઝાદ ચોકમાં દોઢ ફુટ સુધીના પાણી ભરાતા અહીના વિસ્તારની અનેક સોસાયટીઓ જળમગ્ન બની ગઇ છે. રામાપીર ચોક પર એકથી દોઢ ફુટ સુધીના પાણી ભરાતા અહીં પણ જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.