(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: ગોંડલમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડામાં દારુ મળતા પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર
ગુંદાળા પાસેના રિદ્ધિ સિદ્ધિ ગોડાઉનમાંથી ઝડપાયેલા લાખો રુપિયાના વિદેશી દારૂમાં તાલુકા અને LCB પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.
રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. ગુંદાળા પાસેના રિદ્ધિ સિદ્ધિ ગોડાઉનમાંથી ઝડપાયેલા લાખો રુપિયાના વિદેશી દારૂમાં તાલુકા અને LCB પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 8 અને LCBના 4 પોલીસ કર્મચારીઓ મળીને કુલ 12 પોલીસકર્મીઓની સામુહિક બદલી કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકે 12 જેટલા પોલીસ કર્મચારીઓની જિલ્લા ફેર સામુહિક બદલી કરતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
ગોડાઉન પર સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી હતી
દારૂ-જુગાર સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓને નેસ્તોનાબૂદ કરી દેવાના ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ ‘એક્ટિવ મોડ’માં આવી જઈને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ધડાધડ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી શ્રીમતિ નિરજા ગોટરુ, એસપી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.ટી.કામરિયા, પીએસઆઈ આઈ.એસ.રબારી સહિતની ટીમે ગોંડલ તાલુકાના ગુંદાળા ગામથી પાટીદળ ગામ જવાનારસ્તા પર આવેલા રિદ્ધિ સિદ્ધિ વેરહાઉસના ત્રણ નંબરના ગોડાઉન પર દરોડો પાડીને વિદેશી દારૂ-બિયરની 14336 બોટલ પકડી પાડી હતી. જેની કિંમત 46 લાખ રૂપિયા જેટલી થવા જાય છે. દારૂનો આ જથ્થો ટેલરમાં ભરાઈને ગોંડલ સુધી પહોંચ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ પરથી ટેલર ટેમ્પો, દારૂ-બિયર મળી કુલ 88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દરોડા પાડ્યા ત્યારે દારૂનું કટિંગ કરનાર મુખ્ય આરોપી એવો રાજસ્થાનનો દિનેશકુમાર કેશારામ કાછેલા ઉપરાંત સંદીપ મારવાડી (રહે.ઝાલોર-રાજસ્થાન), અનિલ બિશ્નોઈ (રહે.ઝાલોર રાજસ્થાન) સહિતના ચાર લોકો ફરાર થઈ જવામાં સફળ થઈ જતાં તેમને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. તપાસમાં ખુલ્યા પ્રમાણે દિનેશ, સંદીપ અને અનિલે મળીને આ ગોડાઉન ભાડે રાખ્યું હતું અને તે ભાડે રાખતી વખતે અહીં મમરા અને કુરિયરનો ધંધો કરવાનો છે તેવું કહ્યું હતું. પ્રથમ એકાદ મહિના સુધી બધું બરાબર ચલાવ્યા બાદ આ ત્રણેયે દારૂ ઉતારવાનું શરૂ કર્યું હતું અને અહીંથી જ દારૂની સપ્લાય શરૂ કરી દીધી હતી. હાલ આ લોકો ફરાર થઈ ગયા હોવાને કારણે આ દારૂ તેઓ કોને કોને વેચતા હતા તે સહિતનો ખુલાસો થઈ શક્યો નથી.જો કે ટૂંક સમયમાં આ લોકો પકડાઈ જાય તેવી શક્યતા હોવાને કારણે આ લોકો હાથમાં આવી ગયા બાદ તેમની કોની-કોની સાથે સંડોવણી હતી તે સહિતના મુદ્દે ખુલાસાઓ થશે.