ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા તુલસી વિવાહનાં કરાયેલા આયોજનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કેબીનેટ મંત્રીઓ હાજર રહ્યા છે.
રાજકોટ: ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા તુલસી વિવાહનાં કરાયેલા આયોજનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કેબીનેટ મંત્રીઓ હાજર રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી હેલીકોપ્ટર મારફત સાંજે ચાર કલાકે ગોંડલ પહોંચ્યા હતા. જયરાજસિહ જાડેજાનાં નિવાસસ્થાને શાલીગ્રામ ભગવાન અને તુલસી માતાનાં વિવાહ યોજાયા. મુખ્યમંત્રીએ ઠાકોરજીની આરતી ઉતારી હતી. વાછરાથી જાન ચાર કલાકે ગોંડલ પંહોચી. કોલેજચોક ખાતે જાનનાં સામૈયા થયા હતા. બાદમાં ફુલેકા રુપે જયરાજસિહનાં નિવાસસ્થાને પહોંચી હતી. ફુલેકામાં હાથી,ઘોડા,ઉંટ,રથ,બગીઓ જોડાઈ હતી. મુખ્યમંત્રી સહિતનાં મંત્રીઓ ફુલેકામાં જોડાઇ લગ્નનો લ્હાવો લીધો હતો.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં ભગવાનશ્રી ઠાકોરજી (શાલીગ્રામ) વિવાહનો અલૌકિક અવસર છે. વાછરા ગામના સરપંચના નિવાસ સ્થાનેથી જાન પ્રસ્થાન થઈ હતી. વાછરા ગામનાં સરપંચ ભરતભાઇ ચોથાણી તથા ભરતભાઇ ગમારા શાલીગ્રામ ભગવાનનાં માવતર બન્યા છે.
તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન
ગોંડલ ખાતે પ્રથમવાર તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા છે.
ગોંડલ ભાજપના યુવા આગેવાન ગણેશ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, તુલસી વિવાહના ભવ્ય આયોજનમાં તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે. રાજ્યના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. ગોંડલ ખાતે પ્રથમવાર તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા છે.
રાત્રે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં લોકડાયરાનું આયોજન
ગોંડલમાં તુલસી વિવાહ સંપ્પન થયા બાદ આજે સાંજે જાન વિદાય લેશે. બાદમાં ગોંડલમાં રિવર સાઈડ પેલેસ ખાતે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભોજન સમારોહમાં અંદાજે 20 હજાર જેટલા લોકો ભોજન લેશે તેવો અંદાજ છે. આજે રાત્રે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં કીર્તીદાન ગઢવી સહિતના રાજ્યના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ હાજર હોય ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.