કાલાવડ, ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકામાં વરસાદ, ખેડૂતોમાં પાક નુકસાનીનો ભય
Unseasonal rains : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં અને રાજકોટ જિલ્લાના ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકામાં પણ માવઠું પડ્યું.
રાજ્યમાં એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી બાજું કમોસમી વરસાદ પણ પડ્યો છે. રાજકોટ અને જામનગર જિલ્લાના તાલુકાઓમાં આજે 5 એપ્રિલે માવઠું પડ્યું છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં બપોર પછી વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું. વાદળછાયું વાતાવરણ બન્યાં બાદ કાલાવડ તાલુકાના અનેક ગામોમાં વરસાદી ઝાપટા વચ્ચે કરા પણ પડ્યાં હતા. કાલાવડ તાલુકાના ખરેડી, નાના વડાળા, ડેરી, ગુંદા, મેટિયા, શ્રીજી નગર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યાં.
તો રાજકોટ જિલ્લાના ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકામાં પણ માવઠું પડ્યું. રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે શાપર-વેરાવળ, રીબડા ,પારડી સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો.
રાજકોટ અને જામનગર જિલ્લાના કાલાવડ, ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાકમાં નુકસાની થવાનો ભય વ્યાપ્યો છે. ઉનાળું પાક મગ, તલી , ડુંગળી સહિતના પાકો માં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ભીષણ ગરમી વચ્ચે દિલ્હીમાં થયો વરસાદ
ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદથી લોકોને થોડી રાહત મળી. દિલ્હી એનસીઆરના મોટાભાગના વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર દિલ્હીમાં આવેલા વરસાદ વિશે ઘણા મીમ્સ બન્યા અને ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે #DelhiRains ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ થયું હતું.
સોશિયલ મીડિયા પર રોજબરોજના દિવસોમાં, વિષયો વિશે કંઈકને કંઈક ટ્રેન્ડ થતું રહે છે. તાજેતરના દિવસોમાં, વધતી ગરમી અને લીંબુના વધતા ભાવને લઈને ઘણાં ટ્વિટ અને પોસ્ટ કરવામાં આવ્યાં હતા. જે બાદ રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે દિલ્હીવાસીઓના ચહેરાઓ ખીલી ઉઠ્યા છે. સમાચાર અનુસાર, દિલ્હી એનસીઆરના મોટાભાગના વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે.