News: વિદ્યાર્થીને શારીરિક કે માનસિક ત્રાસ અપાશે તો સ્કૂલની માન્યતા રદ થશે, જિલ્લા શિક્ષણ અધિકારીનો પરિપત્ર
સુરત જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા આચાર્યને પત્ર લખવામાં આવ્યો છે જેમાં શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ મૂકવા બાબતે લખાણ લખવામાં આવ્યું છે.
સુરત: શાળામાં વિદ્યાર્થીઓ સાથેના વર્તનને લઈ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કે પછી માનસિક ત્રાસ આપવામાં આવશે તો જિલ્લા શિક્ષણાધિકારાની ભલામણથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નિયમોને ધ્યાને રાખીને સ્કૂલની માન્યતા રદ કરી શકાશે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભરગીરથસિંહ પરમારે પરિપત્ર બહાર પાડવા સાથે જણાવ્યું હતું કે ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે. આર્ટિસ્ટ એક્ટ-2009 અંતર્ગત ગુજરાત આરટીઈ રૂલ્સ-2012 સમગ્ર રાજ્યમાં અમલમાં છે.
આર્ટિસ્ટ એક્ટ-2009ની કલમ 17ની જોગવાઈ મુજબ કોઈપણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં. છતાં જિલ્લાની સ્કૂલોઓમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ કચેરીના ધ્યાને આવી હતી. જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. આથી આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. આ દરમિયાન આવી કોઈ ઘટના સામે આવશે તો પહેલા સ્કૂલને નોટીસ અપાશે, જો તે પછી પણ ઘટના બનશે તો પેનલ્ટી થશે અને ફરી ઘટના બનશે તો સ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખવામાં આવશે.
સુરત જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા આચાર્યને પત્ર લખવામાં આવ્યો છે જેમાં શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ મૂકવા બાબતે લખાણ લખવામાં આવ્યું છે.
આ પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ અત્રેની કચેરીના ધ્યાન પર આવી છે. આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ નિંદનીય છે જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને બાળક શાળામાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. આ પ્રકારની ઘટનાઓ કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહી. વિદ્યાર્થીઓને શાળામાં સલામત અને બાળમૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરુ પાડવું એ આપણા સૌની ખાસ જવાબદારી અને ફરજ છે.
સુરત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પત્રમાં લખ્યું છે કે, આપની કક્ષાએથી આપની શાળામાં ફરીવાર આવી ઘટના ન બને તે માટે શાળાના શૈક્ષણિક કર્મચારીઓને સદર બાબતે પુન સૂચનાઓ આપવાની રહેશે અને આપની શાળામાં આવી ઘટનાઓ ન બને તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવે છે.