ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં મોટો વધારો, અત્યારે કેટલા મીટરે પહોંચી સપાટી?
નર્મદા ડેમની જળ સપાટી પહોંચી 117.37 મીટરે પહોંચી છે. મુખ્ય કેનાલમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે.
નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 117.37 મીટરે પહોંચી છે. જળ સપાટીમાં 24 કલાકમાં 20 સેન્ટિમીટરનો વધારો થયો છે. પાણીની આવક 22796 મિલિયન ક્યુબીક મીટર છે. ઉપરવાસમાં વરસાદ પડતાં ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમના બંને વીજ મથકો હાલ બંધ રખાયા છે. રાજ્યભરમાં વરસાદ હોવાથી મુખ્ય કેનાલમાંથી પાણી છોડવાનું બંધ કરાયું.
ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે ગઈ કાલે ભરુચના વાગરા તાલુકામાં સૌથી વધુ 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ પછી કચ્છના અંજારમાં 8.5 ભૂજમાં 8, ડાંગના વઘઈમાં 7, કચ્છના ગાંધીધામમાં 7 , નવસારીના વાંસદામાં 6.5, ડાંગમાં 6.5 વડોદરાના કરજણમાં 6, કચ્છના નખત્રાણામાં , તાપીના ડોલવણ, વ્યારા, સોનગઢ, રાજકોટ, ધનસુરા, માંડવી-સુરત, ભરુચ, મહુવા-સુરતમાં પાંચ ઇંચથી 5.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્ચમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેંજ એલર્ટ અપાયું છે.
રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે. ત્યારે જૂન મહિનામાં સરેરાશ અઢી ઈંચ વરસાદની સામે જુલાઈના 12 દિવસમાં જ સરેરાશ 12 ઈંચ વરસાદ થયો છે. જુલાઈ સરેરાશ વરસાદની સામે અત્યાર સુધીમાં કુલ 43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 10 દિવસમાં જ રાજ્યમાં ચોમાસાની સિઝનનો 33 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધારે છે.
તો મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ બોડેલી એપીએમસી પર મુખ્યમંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારની નુકસાનીનો સર્વે કરીને લોકોને મદદરૂપ થવા માટે જિલ્લા પ્રશાસન સાથે બેઠક કરીને માર્ગદર્શન પણ આપ્યુ હતુ.