સુરતમા પુત્રીના લગ્નમાં ગરબા રમ્યા પછી પિતા સહિત વધુ ત્રણ જણાના એકાએક મોત
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના સાયણ રોડ પર સાંઇ આસ્થા રેસીડેન્સીમાં રહેતા ૫૪ વર્ષના ઘનશ્યામભાઈ દેવરાજભાઈ ધોળકિયા તા.૨૩મીએ પુત્રીના લગ્ન નિમિત્તે રાસ-ગરબા રમ્યા હતા.
Surat News: સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એકાએક તબિયત બગાડવી અને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોતનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. અમરોલીમાં બે દિવસ પહેલા દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે રાસ- ગરબા રમ્યા બાદ ૫૪ વર્ષના આઘેડ પિતા, વરાછામાં શનિવારે બપોરે ૩૭ વર્ષની મહિલા અને ભટારમાં ૩૫ વર્ષની મહિલાની એકાએક તબિયત બગડતા મોત થયા હતા.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના સાયણ રોડ પર સાંઇ આસ્થા રેસીડેન્સીમાં રહેતા ૫૪ વર્ષના ઘનશ્યામભાઈ દેવરાજભાઈ ધોળકિયા તા.૨૩મીએ પુત્રીના લગ્ન નિમિત્તે રાસ-ગરબા રમ્યા હતા. પછી મોડી રાત્રે ઘરમાં જઈને સૂઈ ગયા હતા. જોકે, બીજા દિવસે શનિવારે સવારે તેઓ નહીં ઉઠતા પરિવારજનો ચિંતાતુર થવા સાથે ગભરાઈ ગયા હતા. જેથી તેમને તરત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘનશ્યામભાઈ મૂળ અમરેલીના વતની હતા. તેમને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. તે હીરાના કામ સાથે સંકળાયેલા હતા.
બીજા બનાવવામાં વરાછા બોમ્બે માર્કેટ પાસે રેણુકા ભવન નજીક સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષના પુષ્પાબેન ધનંજયસિંહ ઠાકોર શનિવારે બપોરે ઘરમાં કામ કરતા હતા. તે સમયે તેમની અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયા હતા. જેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. તેઓ મુળ ઉતરપ્રદેશના વતની હતા. તેમને બે સંતાન છે. તેમના પતિ સરદાર માર્કેટ ખાતે શાકભાજીનો ટેમ્પો ચલાવે છે.
ત્રીજા બનાવમાં ભટાર રોડ પર શિવ શક્તિ સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષના કવિતાબેન વિજયભાઈ સોનવણે શનિવારે મોડી રાત્રે અચાનક ચક્કર આવતા ઘરમાં ટોયલેટ પાસે ઢળી પડયા હતા. તેમને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. કવિતા મૂળ મહારાષ્ટ્રના જલગાંવની વતની હતા. તેના પતિ મજૂરી કામ કરે છે.