(Source: ECI/ABP News/ABP Majha)
Surat: સુરત સિવિલમાં દંપતી નવજાત બાળકને છોડી ફરાર, પોલીસ ફરિયાદ નોંધાઈ
દંપતી પોતાના નવજાત બાળકને છોડીને ફરાર થઇ ગયા હોવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત 8 ડીસેમ્બરના રોજ દંપતી બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇને આવ્યું હતું.
સુરત: સુરતની સિવિલ હોસ્પિટલમાં એક દંપતી પોતાના નવજાત બાળકને છોડીને ફરાર થઇ ગયા હોવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત 8 ડીસેમ્બરના રોજ દંપતી બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇને આવ્યું હતું. બાળકને સિવિલ હોસ્પિટલમાં આવેલા એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બાળકના વાલી બાળકને મૂકીને ત્યાંથી જતા રહ્યા હતા.
તબીબોએ બાળકના વાલીની શોધખોળ કરી હતી પરંતુ તેના વાલીનો ક્યાંય પતો લાગ્યો નહોતો જેથી આ મામલો આખરે ખટોદરા પોલીસ મથકે પહોચ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે મનિષા સુરેશભાઇ ભારેલા અને સુરેશભાઇ ભારેલા સામે ગુનો નોંધ્યો છે અને બાળકના વાલીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
બાળકને હાલ સિવિલ હોસ્પિટલમાં તબીબો દેખભાળ કરી રહ્યા છે. બનાવ અંગે ખટોદરા પોલીસ મથકના પીઆઈ આર.કે.ધુળીયાએ જણાવ્યું હતું કે કામરેજ સીએસસી સેન્ટર ખાતે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને બાદમાં વધુ સારવાર અર્થે બાળકને સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. બાળકની સાથે એક મહિલા અને બે પુરુષ જે તે સમયે તેને દાખલ કરવા માટે આવ્યા હતા. પરંતુ થોડા સમય રહ્યા બાદ બાળકની સાર સંભાળ લેવા કોઈ આવતું ન હતું જેથી તબીબોએ તપાસ કરતા બાળકને ત્યજીને તેના વાલીઓ જતા રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે હાલ ગુનો નોંધી બાળકના વાલીને શોધવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. દંપતી મૂળ મહારાષ્ટ્રના હોવાની વિગતો જાણવા મળતા ત્યાં પણ તપાસ કરવામાં આવી છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં ફરી નવજાત બાળકીને તરછોડીને માતા-પિતા ફરાર થઇ ગયા હતા. સારવાર લઈ રહેલા બાળકને વાલીએ ત્યજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ સીસીટીવીના આધારે બાળકના માતા-પિતાને શોધી રહી છે. બીજી બાજુ ઘટનાને પગલે હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. તબીબોએ ખટોદરા પોલીસને જાણ કરતા પોલીસે માતાની શોધખોળ હાથ ધરી છે.
જે બાળકને ત્યજીને તેનાં માતાપિતા ફરાર થઈ ગયાં છે તે 2 મહિનાનું બાળકની અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 2 મહિનાનું આ બાળક અધૂરા મહિને જનમ્યું હોવાથી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં NICU વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે.