Surat: કોરોનાના હોટ સ્પોટ રહી ચુકેલા રાજ્યના આ મોટા શહેરમાં કોવિડ-19ના શંકાસ્પદ દર્દીના કેમ કરવામાં આવી રહ્યા છે બે રિપોર્ટ ? કારણ જાણીને ચોંકી જશો
ડાયમંડ નગરી સુરતમાં મોટા ભાગની દરેક ખાનગી હોસ્પિટલોમાં કોરોના શંકાસ્પદ લક્ષણોવાળા દર્દીઓના બે રિપોર્ટ કરાવે છે.
સુરતઃ ગુજરાતમાં કોરોના વળતા પાણી શરૂ થયા છે. શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ નવા કેસ નોંધાયા હતા, જ્યારે એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી. ૮ એપ્રિલ ૨૦૨૦ એટલે કે ૪૮૬ દિવસ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૨૦૦થી નીચે આવ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૫,૧૨૦ છે જ્યારે કુલ મરણાંક ૧૦,૦૭૭ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ કુલ ૮,૧૪,૭૪૭ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૭૫% છે.
આ દરમિયાન સુરતની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના લક્ષણો સાથે નિદાન માટે જઈ રહેલા દર્દીઓના સિટી સ્કેનમાં કોરોના થયો હોય તેવું લાગે છે પણ આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવે તો રિપોર્ટ નેગેટિવ આવે છે પણ તે જ દર્દીનો સ્વાઈનફલુનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. આ સ્થિતિને કારણે હવે મોટા ભાગની દરેક ખાનગી હોસ્પિટલોમાં કોરોના શંકાસ્પદ લક્ષણોવાળા દર્દીઓના બે રિપોર્ટ કરાવવામાં આવે છે.
કોરોના અને સ્વાઈન ફ્લુના લક્ષણો છે સરખા
સ્વાઈન ફલુ અને કોરોના વાઈરસના લક્ષણો સરખા છે. જેમાં શરદી, ખાંસીથી શરૂ થાય છે, ગળામાં બળતરા, શ્વાસ ચઢવો, છાતીમાં દુ:ખાવો અને તાવ આવવો આ મુખ્ય લક્ષણો છે. બંનેના રિપોર્ટ માટે પણ ગળા અને નાકના સ્વેબ લેવામાં આવે છે. જો કે, બંને સ્વાઈન ફલુ અને કોરોનાના બંને વાઈરસ ફેફસાં પર અસર કરે છે. બાદમાં ફેફસા નબળા થવાથી દર્દીનું મોત થવાની શકયતા પણ રહેતી હોવાનું ડોકટરોનું કહેવુ છે. સ્વાઈન ફલુના દર્દીઓને પણ ઓકિસજનની જરૂર પડે છે પણ કોરોના કરતા ઓછી માત્રામાં જરૂર પડે છે. જો કે, બંને વાઈરસ ફેફસાંને અસર કરે છે.
સુરતમાં શું છે કોરોનાનું ચિત્ર
ગઈકાલે સુરત શહેરમાં કોરોનાના વધુ 04 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143515 થઈ છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141356 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 45 છે.