(Source: ECI/ABP News/ABP Majha)
Surat : 3 શખ્સોએ છરીના ઘા મારીને યુવકની કરી ક્રુર હત્યા, પ્રેમપ્રકરણની આશંકા
ધર્મેશ (ઉં.વ.24)ની હત્યા થઈ જતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગુરુવારે રાત્રે બનેલી હત્યાની ઘટના CCTV માં કેદ થઈ જતા પોલીસે આરોપીઓની ઓળખ અને હત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
સુરતઃ શહેરના લીંબાયતમાં 3 શખ્સોએ યુવાનની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ હત્યા કેસમાં પ્રેમપ્રકરણ હોવાની પોલીસને આશંકા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી એકની અટકાયત કરી લીધી છે. વિધવા માતા સાથે રહેતા મૂળ નવસારીના યુવાનની હત્યા કરવામાં આવી છે.
લિંબાયતના મારુતિનગરમાં ધર્મેશ (ઉં.વ.24)ની હત્યા થઈ જતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગુરુવારે રાત્રે બનેલી હત્યાની ઘટના CCTV માં કેદ થઈ જતા પોલીસે આરોપીઓની ઓળખ અને હત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. ધર્મેશ ત્રણ મહિના પહેલા જ મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો. માતાના કલ્પાંતથી પોસ્ટ મોર્ટમ રૂમ બહાર કરૂણ દ્રશ્યો સર્જાયાં હતાં.
મૃતકની માતા સંગીતાબેન ઈશ્વરભાઈ બોરડે વિધવા છે, જ્યારે તેમનો દીકરો કાપડ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પિતાના અવસાન બાદ તમામ જવાબદારી ધર્મેશે ઉપાડી લીધી હતી. ત્રણ મહિના પહેલા જ મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો. ગુરુવારે રાત્રે પરિવાર સાથે ભોજન કર્યા બાદ ઘર બહાર નીકળ્યો હતો.
તેમણે રાતે દીકરાને ફોન કરીને બોલાવ્યો હતો. આ સમયે તેણે આવું જ છું, તેમ કહ્યું હતું. જોકે, રાતે 10.30 વાગ્યે દીકરા પર હુમલો થયો હોવાના સમાચાર મળતા તેમના હોશ ઉડી ગયા હતા. એટલું જ નહીં, દીકરાની હત્યા થયાનું જણાતા જ તેઓ ભાંગી પડ્યા હતા અને કલ્પાંત કરી મૂક્યો હતો. જેને કારણે પોસ્ટ રૂમ બહાર કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
અન્ય એક ઘટનામાં, સોશિયલ મીડિયાથી સાવધાન થઈ જજો નહીંતર પછતાવું પડી શકે છે. સુરતના જહાંગીરપુરાની 17 વર્ષની વિદ્યાર્થિનીને યુવકે પ્રેમમાં ફસાવી હતી અને યુવતી પાસે અર્ધનગ્ન ફોટા મંગાવી બ્લેકમેલ કરી 50 હજાર પડાવ્યા હતા. આરોપી ધ્રુવ સુરતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. જહાંગીરપુરાના બે યુવકે બ્લેકમેલ કરતા સગીરાએ ઘરમાં ચોરી કરી હતી. વિદ્યાર્થિનીએ વર્ષ 2019માં પ્રેમીને સોશિયલ મીડિયા પર અર્ધનગ્ન ફોટો મોકલ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, જહાંગીરપુરાની 17 વર્ષની સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી સોશિયલ સાઈટના માધ્યમથી તેના અર્ધનગ્ન ફોટા મેળવી તેના આધારે વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરીને અન્ય મિત્ર સાથે મળી 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. સતત બ્લેકમેલના કારણે યુવતી ઘરેથી ગુમ થયા બાદ મળી આવતા પરિવારને તમામ હકીકત જણાવતા ગુનો નોંધાવ્યો હતો.
જહાંગીરપુરામાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થિની ધો. 12 માં અભ્યાસ કરે છે. સપ્ટેમ્બર 2019માં સોશિયલ સાઇટ પર વિદ્યાર્થિનીની મિત્રતા આરોપી ધ્રુવ પ્રકાશ સુરતી સાથે થઈ હતી. ત્યાર બાદ તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સોશિયલ સાઇટ પર વિદ્યાર્થીનીએ તેનો અર્ધનગ્ન ફોટો ધ્રુવને મોકલ્યો હતો. તેના આધારે ધ્રુવે વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરીને રૂપિયા માંગ્યા હતા. તેથી ઘરમાં કોઈને પણ કહ્યા વગર 10 હજાર રૂપિયા ધ્રુવને આપ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થિનીએ ધ્રુવને બ્લોક કરી દીધો હતો. તેથી ધ્રુવે આરોપી કાર્તિક પરેશ સુરતીની આઈડી પરથી વિદ્યાર્થિનીનો સંપર્ક કરી બ્લેકમેલ કરી બીજા 15 હજાર પડાવ્યા હતા.
વિદ્યાર્થીનીએ પરેશને પણ બ્લોક કરી દીધો હતો. પછી ધ્રુવે વિદ્યાર્થિનીના પિતરાઈ બહેનના માધ્યમથી વિદ્યાર્થિનીનો સંપર્ક કર્યો હતો. તેની પિતરાઈ બહેનને ખબર જ ન હતી કે, ધ્રુવ તેની સાથે શું વાત કરે છે. ધ્રુવે ફરી બ્લેકમેલ કરતા બીજા 25 હજાર વિદ્યાર્થિનીએ ધ્રુવને આપ્યા હતા. ત્યાર બાદ પણ ધ્રુવે બ્લેકમેલિંગ ચાલુ રાખ્યું હતું. આખરે વિદ્યાર્થીનીએ ધ્રુવ સુરતી અને પરેશ સુરતી વિરુદ્ધ ખંડણી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.