Heart Attack: સુરતમાં વેવાઈનું હાર્ટ એટેકથી મોત, મૃતદેહ જોઈને વેવાણને પણ આવ્યો એટેક, બન્નેના મોત
સુરત: છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સામાં મોટો વધારો આવ્યો છે. ઘણા લોકોને રમતા રમતા એટેક આવવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
સુરત: છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સામાં મોટો વધારો આવ્યો છે. ઘણા લોકોને રમતા રમતા એટેક આવવાના કિસ્સા પણ સામે આવ્યા છે. તો આજે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક જ ઘરમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ બન્નેના મોત થયા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર નરેશભાઇ સવારે ઉઠીને ચા પીધા બાદ ફરવા ગયા હતા. ફરીને ઘરે આવ્યા બાદ અચાનક ઘરે ઢળી પડ્યા હતા. જે બાદ નરેશભાઇને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા છે. ત્યાર બાદ નરેશભાઈની બોડી ઘરે લાવ્યા બાદ તેમના વેવાણ તેમની અંતિમ યાત્રામાં આવ્યા હતા. તેમના વેવાણ આશાબેન જેમની ઉંમર આશરે 50 વર્ષની છે તેઓ નરેશ ભાઈની બોડી જોઈ તે પણ ત્યાં ઢળી પડ્યા હતા. તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે તેમને પણ મૃત જાહેર કર્યા હતા.
આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજસ્થાનમાં સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં પહેલી મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસશે. સાથે જ અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે.
આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, નર્મદા, તાપી, રાજકોટ, અમરેલી અને કચ્છમાં કમોસમી વરસાદ વરસશે. તો આવતીકાલે રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ સાથે જ ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો 30 એપ્રિલે અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, કચ્છ અને અરવલ્લીમાં માવઠું પડશે. પ્રથમ મે ના રોજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
પડધરીમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એક વૃદ્ધનું મોત, અનેક ઘાયલ
રાજકોટ: જિલ્લાના પડધરીના ગીતાનગર નજીક જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ખોડીયાર હોટેલ નજીક એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણમાં એક વૃદ્ધનું મોત થયું છે. આ ઉપરાંત એક વૃદ્ધાની હાલત ગંભીર છે. સમગ્ર મારામારીની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જૂની અદાવતમાં કેટલાક લોકો આવીને ધોકા અને તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડયા હતા. આ ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.