Vadodara: વડોદરામાં વોર્ડ 18ના ભાજપના વોર્ડ પ્રમુખ પર પત્ની સાથે મારપીટનો આરોપ, ભાજપના નેતાઓ થયા દોડતા
વડોદરામાં વોર્ડ 18ના ભાજપ વોર્ડ પ્રમુખ પર તેમની પત્નીએ ગંભીર આરોપ લગાવ્યો હતો
વડોદરામાં વોર્ડ 18ના ભાજપ વોર્ડ પ્રમુખ પર તેમની પત્નીએ ગંભીર આરોપ લગાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના વોર્ડ નંબર 18 ના ભાજપના વોર્ડ પ્રમુખ પાર્થ પટેલે પત્નીને માર મારતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પત્નીએ પાર્થ પટેલ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.
પાર્થ પટેલ સામેની ફરિયાદથી ભાજપના નેતાઓ દોડતા થયા હતા. પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પત્નીના આરોપને પાર્થ પટેલે પાયાવિહોણા ગણાવ્યા હતા. પાર્થ પટેલે કહ્યુ હતું કે તેમની પત્ની સાથે છેલ્લા બે વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે.
મળતી જાણકારી અનુસાર, ગતરોજ બાળક સાથે પત્ની મિત્તલ પટેલ સાસરીમાં આવી હતી. પાર્થે બાળક માટે દૂધ ગરમ કરી રહેલી તેમની માતાને પણ માર મારી દૂધ ઢોળી દીધું હોવાના પત્નીએ આક્ષેપ કર્યો હતો. સાથે તેમણે કહ્યું હતું કે પોતાની માતા બાદ પત્નીને પણ ઢોર માર મારી શારીરિક ઈજા પહોંચાડી હતી. મિત્તલ પટેલને માર મારતા કાનમાંથી લોહી નીકળ્યું હતું. આ મામલે રાત્રે પોલીસને કોલ કરતા પોલીસ પાર્થ પટેલના ઘરે પહોંચી હતી. બાદમાં દંપત્તિને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. વોર્ડ પ્રમુખ પાર્થ પટેલની સામે પત્નીએ ફરિયાદ કરી હોવાની જાણ થતા ભાજપના નેતાઓ દોડતા થયા હતા. શહેર ભાજપ મહામંત્રી જશવંતસિંહ સોલંકી, કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલ અને કાઉન્સિલરો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પત્નીએ આક્ષેપ કર્યો હતો કે પાર્થ તેને અને તેમના પરિવારજનોને વારંવાર ધમકી આપતો હતો.
ઉંઝા તાલુકા ભાજપ પ્રમુખને ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા
બીજી તરફ મહેસાણાના ઉંઝા તાલુકા ભાજપ પ્રમુખને ચેક રિટર્ન કેસમાં કોર્ટે દોઢ વર્ષની સજા ફટકારી હતી. તે સિવાય કોર્ટે સજાની સાથે પોણા 12 લાખ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. મહેસાણામાં ઉંઝા તાલુકા ભાજપ પ્રમુખ લક્ષ્મણ પટેલને ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા અપાઇ હતી.
કોર્ટે લક્ષ્મણ પટેલને સજાની સાથે 11.85 લાખ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. ઉંઝા તાલુકા ભાજપ પ્રમુખ લક્ષ્મણ માધવલાલ પટેલે ગોઝારીયાના અશોકભાઈ નામના વ્યક્તિ પાસે 7.90 લાખ રૂપિયા લીધા હતા. લક્ષ્મણ પટેલે તબેલો બનાવવા 2022 માં આ રૂપિયા લીધા હતા. જોકે લક્ષ્મણ પટેલે બે મહિનામાં રૂપિયા પરત ના આપતા અશોકભાઇએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે લક્ષ્મણ પટેલને દોઢ વર્ષની સજાની સાથે સાથે ફરિયાદીને વળતરની સાથે 11.85 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો