વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટને કારણે બબાલ, પથ્થરમારો થતા પોલીસ આવી એક્શનમાં
Vadodara: વડોદરાના જૂની ગઢી વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજને કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી.

Vadodara: વડોદરામાં મોડી રાત્રે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જૂની ગઢી વિસ્તારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. સોશિયલ મીડિયા પર એક સમુદાયની લાગણી દુભાય તેવો મેસેજ વાયરલ થતાં મામલો ગરમાયો હતો. આ ઘટના બાદ લઘુમતી સમાજના લોકો સીટી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. પથ્થરમારામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. જોકે, જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક દખલગીરી કરીને પરિસ્થિતિને શાંત પાડી હતી. હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, વડોદરાના જૂની ગઢી વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજને કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. AI આધારિત એક ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટને કારણે આ વિવાદ શરૂ થયો, અને જોતજોતામાં મામલો ગરમાયો. પરિણામે, બંને જૂથના લોકો સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ થયો, જેનાથી વિસ્તારમાં અશાંતિ ફેલાઈ.
આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. પથ્થરમારા બાદ મોટી સંખ્યામાં લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક પગલાં લીધાં અને મામલાને શાંત પાડ્યો, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થતી અટકી.
ઘટના બાદ, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ શરૂ કર્યું છે, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા હતા. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પોલીસની સજાગતા અને સમયસરની કાર્યવાહીથી શહેરની શાંતિ ફરીથી સ્થાપિત થઈ છે.
ગોધરામાં ટોળાએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી
ગોધરા શહેરમાં મોડી રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો સર્જાયો હતો, જયાં એક સમુદાયના લોકોનું ટોળું એકત્રિત થતુ જોવા મળ્યું. સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ, જ્યારે નવરાત્રિ જેવા સંવેદનશીલ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને કોઈ પણ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે સ્ટેશને બોલાવ્યો હતો.
આ અંગે વિગતે વાત કરીએ તો નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, ગોધરા પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને બી ડિવિઝન પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. જોકે, ગેરસમજને કારણે એક જ સમુદાયના લોકોનું મોટું ટોળું પોલીસ સ્ટેશન બહાર એકઠું થઈ ગયું હતું.
આ ટોળાએ ભારે હોબાળો મચાવ્યો અને ચોકી નંબર ચાર પાસે તોડફોડ પણ કરી હતી. પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. સ્થિતિ વધુ ન વણસે તે માટે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
પોલીસ દ્વારા ઈન્ફ્લુએન્સર દ્વારા વાયરલ કરાયેલા એક વિડિયો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. શાંતિ જળવાય તે માટે મોડી રાત્રે ધાર્મિક આગેવાનો તથા સમાજના અગ્રણીઓ સાથે પોલીસ મથકે બેઠક યોજાઈ હતી.
પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને મોડી રાત્રે ધર્મગુરુઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજીને શાંતિ જાળવવા અપીલ કરી. પોલીસે આખી રાત ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું હતું. હાલ, પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસો ચાલુ છે.





















