Vadodara : ડભોઇના વસઈ ગામે આગ, ઘાંસની 2000 ગાંસડીઓ બળી ગઈ, 5 ગાયોના મોત
Vadodara News : આ આગમાં ઘાંસની 2000 ગાંસડીઓ બળી ગઈ હતી. આગને કારણે 20 પૈકી 5 ગાયોના મોત નિપજ્યા છે.
Vadodara : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના વસઈ ગામે આગ લાગતા 5 ગાયોના મોત થયા છે. વસઈ ગામે ગાયોને બાંધી હતી એ શેડની ઉપર રાખવામાં આવેઅલ ઘાંસચારામાં આગ લાગી હતી. આ આગમાં ઘાંસની 2000 ગાંસડીઓ બળી ગઈ હતી. આગને કારણે 20 પૈકી 5 ગાયોના મોત નિપજ્યા છે, જેમાં 3 ગાયો અને બે વાછરડીનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતા ફાયરની ટીમ દોડી આવી હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. 5 ગાયના મોત થતા પશુચિકિત્સાલયના તબીબોની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને 5 જેટલી ગાયો ગંભીર રીતે ઇજાગ્રત થતા સારવાર આપવાનું શરૂ કર્યું હતું. આગની આ ઘટનામાં પશુપાલકને અંદાજે 4 લાખ રૂપિયાનું નુકસાન થયુ છે.
રાજ્યમાં વધ્યા કોરોનાના નવા કેસ
રાજ્યમાં ફરી એક વાર કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહેલો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 2જી જૂને કોરોના વાયરસના નવા 50 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે નોંધાયેલા નવા કેસમાંથી અડધા જેટલા એટલે કે 27 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. ગઈકાલે 1 જૂને રાજ્યના 45 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 34 કેસ અમદાવાદના હતા.
રાજ્યમાં આજે વડોદરા શહેરમાં 7, ગાંધીનગર, જામનગર શહેર , સાબરકાંઠા ,સુરત શહેર અને વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે. તો ભાવનગર શહેર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર શહેર, નવસારી અને રાજકોટ શહેરમાં કોરોના વાયરસનો 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે કુલ 25 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 254 છે.
દેશમાં કોરોનાના 3,712 નવા કેસ, પાંચ લોકોના મોત
દેશમાં આજે 2જી જૂને એક દિવસમાં કોવિડ-19ના 3,712 નવા કેસ નોંધાયા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,31,64,544 થઈ ગઈ છે. આ સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 19,509 થઈ ગઈ છે.
આજે 2જી જૂને ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ અપડેટ ડેટા અનુસાર, કોરોના સંક્રમણના કારણે વધુ પાંચ મૃત્યુ પછી ભારતમાં મૃત્યુઆંક વધીને 5,24,641 થઈ ગયો છે.
દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 19,509 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.05 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં એટલે કે એક્ટિવ કેસમાં 1,123નો વધારો નોંધાયો છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.74 ટકા છે.