વડોદરામાં મોટી માત્રામાં અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો, દેશી દારૂમાં ઉપયોગ કરવાની આશંકા
Vadodara News : વડોદરાના બિલ ગામમાંથી પાદરા પી.સી.બી પોલીસે આ અખાદ્ય ગોળનો જથ્થો પકડી પાડ્યો છે.
Vadodara : વડોદરામાંથી મોટી માત્રામાં અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો છે. વડોદરાના બિલ ગામમાંથી પાદરા પી.સી.બી પોલીસે આ અખાદ્ય ગોળનો જથ્થો પકડી પાડ્યો છે. પાદરાના એક વેપારીએ બિલ ગામમાં ગોડાઉન અખાદ્ય ગોળના જથ્થોનો સંગ્રહ કર્યો હતો. અખાદ્ય ગોળના આ જથ્થાની ગણતરી કરતા 30 કિલોના 1495 થેલા પોલીસે પકડ્યા હતા અને સાથે આખા ગોડાઉન સીઝ કરી દીધું છે. આ શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો દેશી દારૂમાં વપરાય છે. પોલીસે ગોળ અખાદ્ય છે કે કેમ તેની ચકાસણી માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે. હાલમાં પોલીસે જાણવાજોગ ગુનો નોંધ્યો છે અને રિપોર્ટ આવ્યા વધુ કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરામાં ધાર્મિક સ્થળોના દબાણો પર ફરી બુલડોઝર ફરી વળતા હોબાળો
સંસ્કારી નગરી વડોદરામાં ઘણા દિવસથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા બે મંદિરોને તોડી પાડવામાં આવ્યા હતા જેને લઈને બારે વિરોધ થયો હતો. હવે ફરી પરશુરામ ભઠ્ઠામાં નટરાજ ટાઉનશિપ પાસે ધાર્મિક સ્થાનોના દબાણ દૂર કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે. રેલવે લાઇનમાં આવતા દબાણો રેલવે તંત્ર દ્વારા તોડવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખોડીયાર માતાના મંદિરનું અને દર્ગાનું દબાણ તંત્રએ તોડી પાડ્યું હતું. વહેલી સવારે 4 વાગે તંત્રએ મંદિર અને દર્ગાના દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું. સ્થાનિક લોકોએ ભારે વિરોધ કરતાં સયાજીગંજ પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી છે. જો કે, દબાણ તોડતા પહેલા રેલવે તંત્રએ નોટીસ આપી હોવાની વાત સામે આવી છે.
રખડતા ઢોરે યુવકને અડફેટે લેતા મોઢા પર 12 ટાંકા આવ્યા
શહેરમાં ઢોરનો ત્રાસ યથાવત છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં જેતલપુર રોડ પાસે યુવાનને ગાયે અડફેટે લેતાં તે ઘાયલ થયો છે. ઘાયલ થયેલા યુવાનનું નામ હિરેન પરમાર છે અને સૌથી મહત્વની વાત છે કે, તેના લગ્ન 6 જૂનના રોજ રાખવામાં આવ્યા હતા. હવે હિરેન ઘાયલ થતા લગ્ન પ્રસંગ કેવી રીતે થશે એ અંગે પરિવારમાં ચિંતાનો માહોલ છે. હિરેન ટેટૂ બનાવી આપવાનો ધંધો કરે છે. હાલમાં ઘાયલ થતા આર્થિક મુસિબતનો સામનો પણ કરવો પડી શકે છે.
આ બનાવ અંગે વિગતે વાત કરીએ તો, રાત્રે 9 થી 10 વાગ્યાના અરસામાં જેતલપુર રોડથી અલકાપુરી તરફ હિરેન એક્ટિવ પર જતો હતો ત્યારે અચાનક કૂતરાઓ ભસતા ગાય એકટીવા સાથે અથડાઈ હતી. જેના કારણે યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. મોઢાના ભાગે ઇજા થતાં SSG હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. યુવાનને મોઢાના ભાગે ગંભીર ઇજા પોહચવાથી 10થી 12 ટાંકા લેવા પડ્યા હતા. વડોદરા શહેરમાં એક અઠવાડિયામાં રખડતા ઢોરના કારણે આ ત્રીજો બનાવ છે. પાલિકા તંત્ર દ્વારા ઢોર મુક્ત કરવાની વાતો માત્ર કાગળ પર રહી છે.