રાજકોટ બાદ આ શહેરમાં પણ જાહેર માર્ગો પરથી નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવાના આદેશ
આગામી 10 દિવસમાં શહેરના જાહેર માર્ગ પર મટન,મચ્છી કે ઈંડાનું વેચાણ કરતી લારીઓને દૂર કરવાના નિર્દેશ અપાયા છે
વડોદરાઃ રાજકોટ બાદ હવે વડોદરામાં પણ જાહેર માર્ગો પર ચાલતી નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે. વડોદરા મહાનગર પાલિકાની સ્થાયિ સમિતિના ચૅયરમેન ડૉક્ટર હિતેંદ્ર પટેલે અધિકારીઓને આ અંગેની સૂચના આપી છે. જે અનુસાર આગામી 10 દિવસમાં શહેરના જાહેર માર્ગ પર મટન,મચ્છી કે ઈંડાનું વેચાણ કરતી લારીઓને દૂર કરવાના નિર્દેશ અપાયા છે. એટલુ જ નહીં નોનવેજની દુકાનમાં પણ હવે જાહેરમાં મટન લટકાવી શકાય નહીં.
નોંધનીય છે કે તાજેતરમાં જ રાજકોટ શહેરના મેયર ડૉક્ટર પ્રદીપ ડવે શહેરના જાહેર માર્ગો અને ધાર્મિક સ્થળની આસપાસ આવેલી નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવાના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ શહેરના કેટલાક વિસ્તારમાંથી નોનવેજનું વેચાણ કરતી લારીઓ પણ હટાવવામાં આવી હતી.
સુરતની કોર્ટે ચાર વર્ષની બાળકી પર બળાત્કારના આરોપીને સજા ફટકારી
સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 4 વર્ષીય બાળકી તેના ઘર પાસે રમી રહી હતી. તે સમયે આરોપી તેને ફોસલાવીને લઈ ગયો હતો અને બાદમાં તેના પર બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો.
નોંધનીય છે કે આ કેસમાં 13 ઓક્ટોબરના રોજ 39 વર્ષીય આરોપી અજય ઉર્ફે હનુમાન નિષાદ કેવટની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ માત્ર નવ દિવસમાં જ પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી અને પાંચ દિવસમા કેસની ટ્રાયલ પૂર્ણ કરીને આરોપીને આજીવનકેદની સજા ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોર્ટમાં રાત્રે 11 વાગ્યા સુધી સુનાવણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો. 21 દિવસમાં જ આ કોર્ટનો ચુકાદો આવી ગયો હતો.