(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara : વાવાઝોડા સાથે વરસાદનો પ્રારંભ, અનેક જગ્યાએ ભરાયા પાણી, મહાકાય હોર્ડિંગ્સ થયું ધરાશાયી
વડોદરા શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
વડોદરાઃ શહેરમાં આજે બપોરે અચાનક વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે પગલે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી છે.
કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઇ ગયા હતા. વડોદરાના રાત્રિ બજાર પાસે આવેલુ વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઉપરાંત વડોદરા શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
હવામાન વિભાગની આગાહી છે કે, 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 17 અને 19 જૂને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે. હવામાન વિભાગની આગાહી છે કે, 20-21 જૂનથી વરસાદ વધશે.
17 જૂનથી કચ્છ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠામાં, 18મી જૂને અમદાવાદ, આણંદ અને કચ્છમાં, 19મી જૂને અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં જ્યારે 20મી જૂને દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી માધ્યમ વરસાદ પડી શકે છે.