Russia Ukraine War: રશિયાના હુમલાનો ડર, પુતિનની સુરક્ષા પરિષદની બેઠક અગાઉ સમગ્ર યુક્રેનમાં એર એલર્ટ
સોમવારની બેઠકમાં પુતિનના પક્ષમાંથી કોઈ મોટી કાર્યવાહી થઈ શકે છે. આવી સ્થિતિમાં હવે સમગ્ર યુક્રેન માટે એર એલર્ટ ચિંતાનો વિષય છે
Air Alert In Ukraine: રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રવિવારે (9 ઓક્ટોબર) યુક્રેનમાં એર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સોમવારે (10 ઓક્ટોબર) રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સુરક્ષા પરિષદની મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવી છે. આ બેઠક પહેલા સમગ્ર યુક્રેનમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે માત્ર કેટલાક ક્ષેત્રોમાં જ બંને દેશો વચ્ચે લડાઈ ચાલી રહી છે, પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સોમવારની બેઠકમાં પુતિનના પક્ષમાંથી કોઈ મોટી કાર્યવાહી થઈ શકે છે. આવી સ્થિતિમાં હવે સમગ્ર યુક્રેન માટે એર એલર્ટ ચિંતાનો વિષય છે.
#BREAKING Putin to chair Security Council meeting Monday: Kremlin to agencies pic.twitter.com/dqtgQGYxZC
— AFP News Agency (@AFP) October 9, 2022
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શનિવારે (8 ઓક્ટોબર) રશિયાના કબજા હેઠળના ક્રિમિયામાં પુલ પર મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સહયોગી માયખાઈલો પોડોલ્યાકીએ કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. ક્રિમીયામાં હાજર રશિયન સૈનિકો માટે આ પુલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તે યુક્રેનમાં રશિયન સૈનિકોને લોજિસ્ટિક્સ સપ્લાય કરવાનો મુખ્ય માર્ગ છે.
બ્રિજ પર થયેલા વિસ્ફોટ માટે યુક્રેનને જવાબદાર ઠેરવવામાં આવ્યું
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના જન્મદિવસના એક દિવસ બાદ બોમ્બ વિસ્ફોટ થયો હતો. પુતિને પુલ પર થયેલા વિસ્ફોટ માટે યુક્રેનને જવાબદાર ગણાવ્યું હતું. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ક્રિમિયામાં બ્લાસ્ટ બાદ રશિયા તરફથી કોઈ મોટું પગલું લેવામાં આવી શકે છે.
રશિયન સેનાની ટીકા કરી
તાજેતરમાં ઘણી સૈન્ય નિષ્ફળતાઓ પછી રશિયન સૈન્યના નેતૃત્વની પણ ટીકા કરવામાં આવી હતી. જે બાદ રશિયાએ શનિવારે સર્ગેઈ સુરોવિકિનને યુક્રેન પર આક્રમણનું નેતૃત્વ કરવા માટે નવા જનરલ તરીકે નિયુક્ત કર્યા. રશિયન સૈનિકોએ પૂર્વીય યુક્રેન તેમજ દક્ષિણ ખેરસોન પ્રદેશમાં લાઇમેન ટ્રાન્સપોર્ટ હબ પણ ગુમાવ્યું હતું. આ નિષ્ફળતાઓ પછી ચેચન્યા પ્રદેશના વડા રમઝાન કાદિરોવ સહિત ઘણા રશિયન તરફી નેતાઓએ રશિયાના નેતૃત્વની ટીકા કરી. આ સમગ્ર ઘટનાને જોતા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પુતિન હવે કોઈ મોટું પગલું ભરી શકે છે.